‘રામાયણ પછી ‘એનિમલ’ જેવી ફિલ્મ ન કરતા’, રણબીર કપૂરને મહાભારતના ‘શ્રીકૃષ્ણ’ નીતિશ ભારદ્વાજે આપી સલાહ

Nitesh Tiwari Ramayana trailer review: નિતેશ તિવારીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. ટ્રેલરની સાથે-સાથે ભગવાન રામના રૂપમાં રણબીર કપૂર, માતા સીતાના પાત્રમાં સાઈ પલ્લવી અને રાવણના રોલમાં યશની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. આ દરમિયાન, બી.આર. ચોપરાના પ્રખ્યાત ટીવી શો ‘મહાભારત’માં ભગવાન શ્રીકૃષ્ણનું અમર પાત્ર ભજવનાર અભિનેતા નીતિશ ભારદ્વાજે પણ ટ્રેલર જોઈને પોતાની પ્રતિક્રિયા આપી છે, જે હાલ ભારે સુર્ખીઓમાં છે.
નીતિશ ભારદ્વાજે સોશિયલ મીડિયા પર પોતાની વાત મૂકતા આ ફિલ્મને ઓસ્કારની મજબૂત દાવેદાર ગણાવી છે. તેમનું માનવું છે કે ‘રામાયણ’ પાસે ‘બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ’ની કેટેગરીમાં ઓસ્કાર જીતવાની ૧૦૦ ટકા તક છે.
નીતિશ ભારદ્વાજે શું કહ્યું?
તેમણે નિર્માતા નમિત મલ્હોત્રાને અભિનંદન આપતાં લખ્યું કે સત્યજિત રે અને શેખર કપૂર પછી હવે નિતેશ તિવારી વર્લ્ડ સિનેમા માટે ભારતની આગામી સૌથી મોટી ભેટ સાબિત થશે. આ ઉપરાંત, ભારદ્વાજે ફિલ્મના પ્રોડક્શન ડિઝાઇન, કેમેરા વર્ક (DOP), VFX અને AI ના ઉપયોગથી ઊભી કરાયેલી પ્રાચીન યુગની ભવ્યતાના ખુલ્લા મનથી વખાણ કર્યા હતા. આ ભારતીય પ્રોજેક્ટ સાથે હોલીવુડના પ્રખ્યાત સંગીતકાર હંસ ઝિમર જેવા દિગ્ગજ જોડાયા હોવા બદલ પણ તેમણે ખુશી વ્યક્ત કરી હતી.
રણબીરના વખાણ અને ખાસ સલાહ
પોતાની પોસ્ટમાં નીતિશ ભારદ્વાજે રણબીર કપૂરના અભિનયની પણ પ્રશંસા કરી હતી. જોકે, તેમણે રણબીરને એક અત્યંત મહત્વપૂર્ણ સલાહ પણ આપી છે.
ભારદ્વાજે કહ્યું કે: “‘રામાયણ’ જેવી પવિત્ર અને મહાન ફિલ્મ કર્યા પછી રણબીરે ભવિષ્યમાં ‘એનિમલ’ જેવી ફિલ્મો કરવાથી બચવું જોઈએ, પછી ભલે તેને સોનાની ખાણ જ કેમ ન ઓફર કરવામાં આવે. ભારતીય સંસ્કૃતિ, વારસો અને સંસ્કારોને જાળવી રાખવા હવે તેમની સામાજિક જવાબદારી બની ગઈ છે.”
તેમણે ઉમેર્યું કે, રણબીરની એક્ટિંગ પ્રતિભાને સંતોષવા માટે ભારતમાં વાર્તાઓની કોઈ કમી નથી. રણબીરને સલાહ આપવાની સાથે નીતિશ ભારદ્વાજે આશા વ્યક્ત કરી કે દેશના દર્શકો સાઈ પલ્લવીને દેવી સીતાના પાવન રૂપમાં ચોક્કસપણે સ્વીકારશે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ?
નમિત મલ્હોત્રાના પ્રોડક્શન અને નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ‘રામાયણ પાર્ટ 1’ આ જ વર્ષે દિવાળીના શુભ અવસરે મોટા પડદા પર દસ્તક આપવા જઈ રહી છે. જ્યારે, આ મહાકાવ્યનો બીજો ભાગ એટલે કે ‘રામાયણ પાર્ટ ૨’ વર્ષ ૨૦૨૭ની દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ હોર્મુઝ તણાવ પર સરકાર એક્શનમાં, PM મોદીએ મંત્રીઓ સાથે કરી મહત્વની બેઠક
આ પણ વાંચોઃ વોટર ID, આધાર, PAN અને બેંક ખાતું નાગરિકતાનો નિર્ણાયક પુરાવો નથી: કોલકાતા હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












