DANGER-DO NOT TOUCH: ગીર સોમનાથમાં રહસ્યમય સ્મોક ડિવાઈઝથી ખળભળાટ

Gujarat News: સામાન્ય રીતે દરિયા કિનારે વહેતા મોજાં, માછીમારોની અવરજવર અને પ્રવાસીઓની ચહલપહલ જોવા મળતી હોય છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા દરિયા કિનારે બનેલી એક ઘટનાએ સ્થાનિકોમાં ચકચાર મચાવી દીધી છે. કિનારા વિસ્તારમાં એક શંકાસ્પદ સ્મોક સિગ્નલ ડિવાઇસ મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે.
મળતી માહિતી મુજબ દરિયા કિનારે કેટલાક સ્થાનિક લોકોની નજર એક અજાણી વસ્તુ પર પડી હતી. નજીક જઈને જોતા ડિવાઈઝ પર મોટા અક્ષરોમાં DANGER – DO NOT TOUCH લખાયેલું જોવા મળ્યું હતું. આ ચેતવણી વાંચતાં જ લોકોએ કોઈ જોખમ ન લેતા તરત જ પોલીસને જાણ કરી હતી. સ્થાનિકોની સતર્કતાને કારણે સંભવિત જોખમને સમયસર ધ્યાનમાં લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
જાણ મળતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારની તપાસ શરૂ કરી હતી. શંકાસ્પદ ઉપકરણની આસપાસ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું અને તેની પ્રકૃતિ વિશે માહિતી મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ઉપકરણ ક્યાંથી આવ્યું, કેટલા સમયથી કિનારે પડેલું હતું અને તેની પાછળ કોઈ અન્ય કારણ છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
દરિયાઈ જહાજોમાં ઉપયોગમાં લેવાતા સ્મોક સિગ્નલ
પ્રાથમિક તપાસમાં એવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે આ ઉપકરણ દરિયાઈ જહાજોમાં ઉપયોગમાં લેવાતા સ્મોક સિગ્નલ સાધનનો કોઈ ભાગ હોઈ શકે છે. સામાન્ય રીતે દરિયામાં આપત્તિ, ઇમરજન્સી અથવા બચાવ કામગીરી દરમિયાન આવા સ્મોક સિગ્નલ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે સુત્રાપાડા કિનારે મળેલું ઉપકરણ સક્રિય સ્થિતિમાં છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
સુરક્ષાના ભાગરૂપે સંબંધિત વિભાગો દ્વારા ઉપકરણની તકનીકી તપાસ કરવામાં આવી રહી છે. ઉપકરણમાં કોઈ જોખમી તત્વ છે કે નહીં, તેમજ તે હાલમાં કાર્યરત સ્થિતિમાં છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું સાચું ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.











