ભારતના વિરોધ છતાં નેપાળની અવળચંડાઈ, નવી ચલણી નોટમાં આ ક્ષેત્રોને જણાવ્યો પોતાનો ભાગ

નવી દિલ્હી: 27 નવેમ્બર, 2025: નેપાળની કેન્દ્રીય બેન્કે ગુરુવારે 100 રૂપિયાની નવી નોટો જાહેર કરી છે, જેમાં દેશનો સંશોધિત નકશો છાપવામાં આવ્યો છે. આ નવા નકશામાં ભારત દ્વારા વિવાદિત ગણાતા ક્ષેત્રો કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધૂરાનો સમાવેશ નેપાળના હિસ્સા તરીકે કરવામાં આવ્યો છે, જેના પર ભારત વારંવાર વાંધો ઉઠાવતું રહ્યું છે. ભારત આ ક્ષેત્રો પર પોતાનો દાવો કરે છે.
જૂનો વિવાદ, નવી નોટ
સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, નેપાળ રાષ્ટ્ર બેન્ક (NRB) તરફથી જાહેર કરાયેલી નવી નોટ પર પૂર્વ ગવર્નર મહાપ્રસાદ અધિકારીની સહી છે. વડા પ્રધાન કેપી શર્મા ઓલીના નેતૃત્વવાળી સરકાર દરમિયાન નેપાળે મે 2020માં સંસદની સ્વીકૃતિ પછી પોતાના નકશાને અપડેટ કર્યો હતો. આ અપડેટ વિવાદિત હતું કારણ કે તેમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધૂરાનો સમાવેશ કરાયો હતો.
નેપાળ કેન્દ્રીય બેન્કનો ખુલાસો
નકશાના નવા સંસ્કરણને લઈને નેપાળ કેન્દ્રીય બેંકના પ્રવક્તાએ કહ્યું કે, “જૂની ૧૦૦ રૂપિયાની નોટમાં પણ આ નકશો હાજર હતો, પરંતુ તેને સરકારના નિર્ણય મુજબ સંશોધિત કરવામાં આવ્યો છે. રૂ 10, રૂ. 50, રૂ. 500 અને રૂ. 1000 જેવી અન્ય નોટોમાં નકશો હોતો નથી, માત્ર રૂ.100ની નોટ પર જ દેશનો નકશો છાપવામાં આવે છે.
ભારતની પ્રતિક્રિયા
ભારતનું કહેવું છે કે લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધૂરા તેના ક્ષેત્રમાં આવે છે. ભારતે 2020માં નેપાળના સંશોધિત નકશા પર સખત પ્રતિક્રિયા આપતા તેને ‘એકતરફી પગલું’ ગણાવ્યું હતું અને ચેતવણી આપી હતી કે આ પ્રકારનું ‘કૃત્રિમ વિસ્તરણ’ સ્વીકારવામાં આવશે નહીં.
નેપાળની નવી નોટ કેવી છે?
નેપાળની નવી રૂ.100 ની નોટમાં ડાબી બાજુ માઉન્ટ એવરેસ્ટની તસવીર છે, જ્યારે જમણી બાજુ નેપાળના રાષ્ટ્રીય ફૂલ લાલ બુરાંશનું વોટરમાર્ક છે. નોટની વચ્ચે આછા લીલા રંગમાં નેપાળનો નકશો છપાયેલો છે. નકશા પાસે અશોક સ્તંભ પણ છે, જેની નીચે ‘લુમ્બિની- ભગવાન બુદ્ધની જન્મભૂમિ’ લખેલું છે. નોટની પાછળ એક શીંગડાવાળા ગેંડાની તસવીર છે.
નોંધનીય છે કે, નેપાળની ભારત સાથેની 1850 કિલોમીટરથી વધુ લાંબી સીમા સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોમાંથી પસાર થાય છે.
આ પણ વાંચોઃ મહિલાના ત્રાસથી મહંતે પીધું ઝેર!, શું હતું કારણ જેથી કંટાળીને ભર્યું આ પગલું, જાણો સમગ્ર માહિતી
આ પણ વાંચોઃ સનસનીખેજ ઘટના: 8 માસની બાળકીની હત્યા કરી માતાનો આપઘાત; હત્યા પાછળનું કારણ અકબંધ












