ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરતમાં NEET પેપર લીક વિરુદ્ધ યુવા કોંગ્રેસના કાર્યકરોનો અનોખો વિરોધ

Surat Youth Congress protest: NEET-UG 2026ના કથિત પેપર લીક મામલે દેશભરમાં વિદ્યાર્થીઓ અને રાજકીય સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મુદ્દે સુરતમાં ભારતીય યુવા કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. કાર્યકરોએ રસ્તા પર ધરણા આપ્યા હતા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરનાર ‘પેપર લીક માફિયા’ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

યુવા કોંગ્રેસના પ્રવક્તાઓએ કહ્યું કે, “22 લાખ વિદ્યાર્થીઓની મહેનતને પેપર લીક માફિયાના હવાલે નહીં કરી શકાય.” તેમણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક જવાબ આપવા અને NTAને બંધ કરવાની માંગ કરી છે.

પેપર લીક મામલો

3 મે 2026ના રોજ NEET-UG 2026 પરીક્ષા યોજાઈ હતી, જેમાં આશરે 22.8 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરીક્ષા પછી તરત જ વોટ્સએપ પર વાયરલ થયેલા ગેસ પેપરમાંથી અનેક પ્રશ્નો અસલ પેપરમાં મળી આવ્યા હતા. લીકનું મૂળ રાજસ્થાનમાં હોવાનું કહેવાય છે. CBIએ તપાસ શરૂ કરી છે અને અનેક આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ વિવાદને લઈને NTAએ 12 મેના રોજ આખી પરીક્ષા રદ કરી દીધી હતી અને પારદર્શિતા જાળવવા માટે પુનઃપરીક્ષાની જાહેરાત કરી હતી.

કોંગ્રેસના કાર્યકરોનો અનોખો વિરોધ

સુરતમાં ભારતીય યુવા કોંગ્રેસના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. કાર્યકરોએ મોક ફ્યુનરલ (અંતિમ યાત્રા) યોજીને NEET પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા સામે રોષ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે સરકાર અને પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કરતાં થોડા સમય માટે હળવી ધક્કામુક્કીની સ્થિતિ પણ સર્જાઈ હતી. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને કાર્યકરોએ પોતાના મોબાઇલ ફોનથી વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર લાઇવ પ્રસારણ પણ કર્યું હતું, જેના કારણે ઘટનાએ વધુ ચર્ચા જગાવી હતી.

આ પ્રકારના વિરોધ પ્રદર્શનો દિલ્હી, કર્ણાટક, મેઘાલય સહિત અનેક રાજ્યોમાં NSUI અને યુવા કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે.

વિદ્યાર્થીઓ પર અસર

આ લીક અને રદ્દતાને કારણે લાખો વિદ્યાર્થીઓ માનસિક તણાવ અને અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. તેઓએ વારંવાર પરીક્ષાની તૈયારી કરવી પડી રહી છે. સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલે અરજીઓ દાખલ થઈ છે.

આ પણ વાંચો: દાહોદ નગરપાલિકા પર ભાજપનો દબદબો, પ્રમુખ પદની ચૂંટણી 19 મેએ, આ બે નામ ચર્ચામાં

Back to top button