ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પેપર લીકથી વિદ્યાર્થીઓમાં આક્રોશ, કોંગ્રેસે સરકારની જવાબદારી પર ઉઠાવ્યા સવાલ

NEET UG 2026 Paper Leak: આજે (12 મે 2026) કોંગ્રેસના મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સના ચેરપર્સન સુપ્રીયા શ્રીનેતે NEET UG 2026ના પેપર લીકને લઈને X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેઓ સીધા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર પ્રહાર કરે છે અને NEET UG 2026ના પેપર લીકને લઈને સરકારને ઘેરી લીધી છે.

શું કહ્યું સુપ્રીયા શ્રીનેતે?

તેમણે કહ્યું, “NEETનું પેપર ફરી લીક થતાં પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. આ વખતે 22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બાળકો પોતાના ભવિષ્ય માટે દિવસ-રાત મહેનત કરતા રહે છે, જ્યારે માતા-પિતા કોચિંગ અને તૈયારી પાછળ લાખો રૂપિયા ખર્ચે છે. છતાં અંતે તેમને શું મળ્યું? પેપર લીક અને પરીક્ષા રદ થવાની નિરાશા.”

તેમણે કહ્યું કે જ્યારે નકલી ડિગ્રી ધરાવતા લોકો શિક્ષણની વાતો કરે ત્યારે ગંભીરતાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? ધર્મેન્દ્ર પ્રધાનને પોતાના પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. તેમના બાળકો તો વિદેશમાં આરામથી અભ્યાસ કરી રહ્યા છે, એટલે દેશના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું હોવા છતાં તેમને કોઈ ફરક પડતો નથી.

તેમણે કહ્યું, સરકાર એક પરીક્ષા તો પેપર લીક વગર સફળતાપૂર્વક લઈ શકતી નથી અને વાતો વિશ્વગુરુ બનવાની કરે છે. આ સરકારમાં પેપર લીક કરનારાઓના ઈરાદા વધી ગયા છે કારણ કે તેમને રાજકીય સંરક્ષણ મળતું હોય છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં હોવા છતાં સરકારને તેની કોઈ ચિંતા નથી અને નેતાઓ માત્ર પ્રચાર અને રોડ શોમાં વ્યસ્ત દેખાય છે.

જણાવી દઈએ કે, NTAએ NEET UG પરીક્ષા 2026 રદ કરી દીધી છે. દાવો કરવામાં આવ્યો હતો કે કોચિંગ સંસ્થાઓએ અંદાજે તૈયાર કરેલા 125 પ્રશ્નો અસલી પ્રશ્નપત્ર સાથે બિલકુલ મળતા આવ્યા હતા. ત્યારથી પરીક્ષાને લઈને શંકા વધી ગઈ હતી. 3 મેના રોજ યોજાયેલી પરીક્ષા હવે ફરી લેવામાં આવશે અને નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

શિક્ષણમંત્રીના બાળકો વિદેશમાં…

તમને જણાવી દઈએ કે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પુત્રી નૈમિષા પ્રધાને અમેરિકામાંથી LLMનો અભ્યાસ કર્યો છે. એટલુ જ નહીં BJPના અનેક નેતાઓ અને મંત્રીઓના બાળકો Oxford, Harvard અને Boston જેવી વિદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં ભણી રહ્યા છે. બીજી તરફ દેશમાં લાખો વિદ્યાર્થીઓ પેપર લીક, પરીક્ષા રદ થવી અને અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેમના ભવિષ્યને લઈને ચિંતા અને નિરાશા વધી રહી છે.

વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલો

આ મામલો માત્ર એક પરીક્ષાનો નથી, આતો દેશના યુવાનોના સપનાઓ સાથે રમત છે

  • કોચિંગના લાખો રૂપિયા, રાત-દિવસની મહેનત, પરિવારના સપના… બધું પાણીમાં?
  • પેપર લીક માફિયા વર્ષોથી સક્રિય છે તો સરકાર કેમ તેમને રોકી શકતી નથી?
  • જે મંત્રીઓ પોતાના બાળકોને વિદેશ મોકલે છે, તેઓ દેશની સરકારી શાળાઓ અને NTAની વ્યવસ્થાને કેમ સુધારતા નથી?
  • વિકસિત ભારતના સપના તો સારા છે, પણ જ્યારે 1.19 લાખ સરકારી શાળાઓમાં વીજળી પણ નથી તો વિકાસ કોનો થયો?

આ સમગ્ર ઘટના વિદ્યાર્થીઓ, વાલીઓ અને યુવાનો માટે મોટી ચિંતાનો વિષય બની છે. શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વાસ જળવાઈ રહે તે માટે કડક સુધારાઓ હવે સમયની માંગ બની ગયા છે. સરકાર કોઈપણ હોય, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ સમજૂતી ન થવી જોઈએ. સતત પેપર લીક, પરીક્ષા રદ થવી અને ગેરવ્યવસ્થાના કારણે યુવાનોમાં નિરાશા વધી રહી છે. જો સમયસર મજબૂત પગલાં નહીં લેવાય, તો દેશની શિક્ષણ વ્યવસ્થા અને લાખો વિદ્યાર્થીઓના સપનાઓ પર ગંભીર અસર પડી શકે છે.

આ પણ વાંચો: વસ્તી ગણતરીમાં ઘર, ગાડી કે સંપતિની જાણકારી છુપાવી તો ત્રણ વર્ષની જેલ, દંડ પણ ફટકારાશે

Back to top button