કિર્તીદાન ગઢવીની જાહેરાત: પરંપરા ગ્રુપના ગરબા હવે ખુલ્લા મેદાનમાં યોજાશે
Ahmedabad : અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર પરંપરા ગ્રૂપ દ્વારા આયોજિત જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીના ગરબા મહોત્સવના સ્થળ અને સમયપત્રકમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. શુક્રવારે સાંજે નિર્માણાધીન AC ડોમ ધરાશાયી થવાની ઘટના બાદ ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાને રાખી આયોજકો દ્વારા આ મોટો નિર્ણય લેવાયો છે. વર્ષોથી વાતાનુકૂલિત (AC) ડોમમાં યોજાતા આ ગરબા હવે સુરક્ષાના કારણોસર ખુલ્લા મેદાનમાં યોજાશે. આ સાથે પ્રથમ નોરતાને બદલે હવે બીજા નોરતાથી ગરબા શરૂ થશે તેવી સત્તાવાર જાહેરાત લોકગાયક કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ડોમ તૂટ્યા બાદ કિર્તીદાન ગઢવીનો ચાહકોને ભાવુક સંદેશ:
“માળખાને નુકસાન થયું છે, અમારા અને તમારા ઉત્સાહને નહીં; હવે ઓપન ગ્રાઉન્ડમાં જામશે રંગ”
AC ડોમ ધરાશાયી થવાની ઘટના બાદ પ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર વીડિયો રીલ શેર કરીને ખેલૈયાઓ અને ચાહકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું કે, “ગઈકાલ સાંજથી પરંપરા નવરાત્રિના ડોમને નુકસાન પહોંચ્યાના સમાચારો વહી રહ્યા છે. એ વાત સાચી છે કે સ્ટ્રક્ચરને નુકસાન જરૂર થયું છે, પરંતુ તમારા, મારા કે અમારી સમગ્ર ટીમના ઉત્સાહમાં સહેજ પણ ઓછો થયો નથી. આપ સૌના સતત મળી રહેલા સમર્થન અને પ્રેમથી અમારું મનોબળ બમણું થઈ ગયું છે. હવે અમે AC ડોમને બદલે વિશાળ ખુલ્લા મેદાનમાં નવરાત્રિનું આયોજન કરી રહ્યા છીએ. બીજા નોરતાથી દશેરા સુધી ભવ્ય સાઉન્ડ અને આકર્ષક લાઇટિંગ સેટઅપ સાથે ગરબાની રમઝટ બોલાવીશું. આપણે આપણી પરંપરા સાથે અડીખમ ઊભા છીએ. જય માતાજી!”
સુરક્ષાને પ્રાથમિકતા આપી AC ડોમ રદ કરાયો
એસ.પી. રિંગ રોડ પર આકાર લઈ રહેલા ભવ્ય ગરબા સ્થળે શુક્રવારે સાંજે અચાનક AC ડોમનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. ઘટના સમયે સ્થળ પર કામગીરી ચાલી રહી હતી, જેમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી અને એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા માટે પરંપરા ગ્રૂપે તાત્કાલિક અસરથી ડોમ હટાવી સમગ્ર કાર્યક્રમ ખુલ્લા મેદાનમાં ખસેડવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો:દિલ્હીના પ્રદર્શન વચ્ચે રાજકીય ગરમાવો, ત્રણ દિગ્ગજ નેતાઓ અટકાયતમાં
ફાયર વિભાગની મંજૂરી બાકી હોવાનો ખુલાસો
આ દુર્ઘટના બાદ સામે આવ્યું છે કે આયોજકો દ્વારા ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે ઓનલાઇન અરજી કરવામાં આવી હતી, પરંતુ ફાયર સેફ્ટીની અંતિમ NOC મળી નહોતી. ફાયર ઓફિસર વિષ્ણુ દેસાઈના જણાવ્યા મુજબ, સ્થળ પર ડોમનું બાંધકામ અપૂર્ણ હોવાથી તપાસ બાદ જ મંજૂરી આપવાની પ્રક્રિયા નિર્ધારિત હતી. પ્રાથમિક તપાસમાં ડોમના પિલ્લર્સ અને પાયા જમીનમાં પૂરતી ઊંડાઈ અને મજબૂતીથી ફિક્સ ન કરાયા હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો:ગરબાના મેદાનમાં દીકરીઓની સુરક્ષા હવે વધુ મજબૂત, વડોદરા પોલીસની ખાસ એપ લોન્ચ












