ચાર રાજ્યોની 28 વિધાન પરિષદ બેઠકો પર મતગણતરી, યુપીમાં ભાજપનો દબદબો

Election Results : ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં કુલ 28 વિધાન પરિષદ (MLC) બેઠકો માટેની મતગણતરી દરમિયાન મિશ્ર પરિણામો સામે આવી રહ્યાં છે. ઉત્તર પ્રદેશમાં ભાજપે અત્યાર સુધી જાહેર થયેલા છ પરિણામોમાંથી પાંચ બેઠકો જીતી છે, જ્યારે વારાણસી શિક્ષક બેઠક પર સમાજવાદી પાર્ટીએ જીત મેળવી છે. બીજી તરફ, બિહારમાં ચાર શિક્ષક બેઠકોનાં પરિણામો જાહેર થયાં છે. કર્ણાટકમાં ભાજપ અને જનતા દળ (સેક્યુલર)ના ગઠબંધન NDAએ ચારેય બેઠકો જીતીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. મહારાષ્ટ્રમાં પાંચ બેઠકો પર મતગણતરી ચાલુ છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપને પાંચ બેઠકો, વારાણસીમાં સપાની જીત
ઉત્તર પ્રદેશની 11 વિધાન પરિષદ બેઠકોમાંથી અત્યાર સુધી છ બેઠકોનાં સત્તાવાર પરિણામ જાહેર થયાં છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ લખનઉ શિક્ષક, મેરઠ-સહારનપુર શિક્ષક, બરેલી-મુરાદાબાદ શિક્ષક અને મેરઠ-સહારનપુર સ્નાતક સહિત પાંચ બેઠકો પર જીત મેળવી છે. જ્યારે વારાણસી શિક્ષક બેઠક પર સમાજવાદી પાર્ટી (SP)ના લાલ બિહારી યાદવ વિજયી બન્યા છે.
બરેલી-મુરાદાબાદ શિક્ષક બેઠક પર ભાજપના ઉમેદવાર ડૉ. હરિ સિંહ ઢિલ્લોને નોંધપાત્ર જીત મેળવી છે. રાજ્યની બાકીની પાંચ બેઠકો પર મતગણતરી ચાલુ છે. મળતા અહેવાલો મુજબ, આ બેઠકોમાંથી ત્રણ પર સપા, એક પર ભાજપ અને એક પર અપક્ષ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.
બિહારમાં ચાર શિક્ષક બેઠકોનાં પરિણામ જાહેર
બિહારમાં વિધાન પરિષદની આઠ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. તેમાંથી ચાર શિક્ષક બેઠકોનાં પરિણામ જાહેર થયાં છે. પટના શિક્ષક બેઠક પર રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ડૉ. સંજીવ, તિરહુત બેઠક પર ભાજપના નરેન્દ્ર સિંહ અને દરભંગા બેઠક પર જન સૂરાજના સુરેશ પ્રસાદ રાયે જીત મેળવી છે. સારણ બેઠક પર ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવાર રાહુલ રાજ વિજયી બન્યા છે. બીજી તરફ, ચાર સ્નાતક બેઠકો પર મતગણતરી ચાલુ છે. બેલેટ પેપરની ગણતરીને કારણે પરિણામ જાહેર થવામાં વિલંબ થઈ રહ્યો છે. પટના સ્નાતક બેઠક પર જનતા દળ (યુનાઇટેડ) એટલે કે JDUના ઉમેદવાર નીરજ કુમાર આગળ ચાલી રહ્યા છે.
જીતની શક્યતા મજબૂત બન્યા બાદ નીરજ કુમારે એક મુલાકાતમાં કહ્યું હતું કે જનતાના આ ચુકાદાએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ સામે સવાલ ઉઠાવનારાઓને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે રાજકારણમાં નાણાંબળ અને બાહુબળ કરતાં જનતાનો વિશ્વાસ વધુ મહત્ત્વનો છે. તેમણે મોકામામાં સંભવિત વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન પણ ગુનાખોરી સામે પોતાનું વલણ જાળવી રાખીને NDAના સત્તાવાર ઉમેદવાર માટે પ્રચાર કરવાની વાત કરી હતી.
કર્ણાટકમાં NDAનો ક્લીન સ્વીપ
કર્ણાટકની ચારેય વિધાન પરિષદ બેઠકો પર NDAએ જીત મેળવી છે. ભાજપે ઉત્તર-પૂર્વ શિક્ષક બેઠક પર શશિલ નામોશી, પશ્ચિમ સ્નાતક બેઠક પર એસ.વી. સંકનૂર અને દક્ષિણ-પૂર્વ સ્નાતક બેઠક પર કે.એમ. સુરેશને વિજય અપાવ્યો છે. જ્યારે બેંગલુરુ શિક્ષક બેઠક પર જનતા દળ (સેક્યુલર)ના ઉમેદવાર એ.પી. રંગનાથ વિજયી જાહેર થયા છે.
મહારાષ્ટ્રમાં પાંચ બેઠકો પર મતગણતરી ચાલુ
મહારાષ્ટ્રની પાંચ વિધાન પરિષદ બેઠકોનાં અંતિમ પરિણામો હજુ જાહેર થયાં નથી. હાલના વલણો મુજબ, છત્રપતિ સંભાજીનગર બેઠક પર શરદ પવાર જૂથની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-SP)ના ઉમેદવાર આશરે 11 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. પુણે શિક્ષક બેઠક પર ભાજપ, પુણે સ્નાતક બેઠક પર NCP-SP, નાગપુર સ્નાતક બેઠક પર ભાજપ આશરે ચાર હજાર મતથી અને અમરાવતી શિક્ષક બેઠક પર એકનાથ શિંદે જૂથની શિવસેનાના ઉમેદવાર આગળ હોવાનું જાણવા મળ્યું છે. ચારેય રાજ્યોનાં પરિણામો પર રાજકીય પક્ષોની નજર ટકેલી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારનાં પરિણામો આગામી રાજકીય સમીકરણો માટે મહત્ત્વનાં બની શકે છે.












