ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરીહેલ્થ

KFCના ફ્રાઇડ ચિકનમાં કીડો મળ્યાનો આરોપ, કંપનીએ માફી માંગી, તપાસ શરૂ

KFC Chicken Worm  :  રવિવારની સાંજે ક્રિસ્પી ફ્રાઇડ ચિકન ખાવાની ઇચ્છા થાય અને ઓર્ડર કરેલા ચિકનના ટુકડામાં કીડો જોવા મળે તો સ્વાભાવિક રીતે કોઈપણ વ્યક્તિના હોશ ઉડી જાય. ગ્રેટર નોઇડા વેસ્ટના ગૌર સિટી મોલમાં આવેલા KFC આઉટલેટને લઈને આવો જ ગંભીર મામલો સામે આવ્યો છે.

KFCના એક ગ્રાહકે સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરીને આરોપ લગાવ્યો છે કે તેને ઓર્ડર કરેલા ફ્રાઇડ ચિકનના ટુકડાની અંદર કીડો જોવા મળ્યો હતો. પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આ મામલો ઝડપથી વાયરલ થયો અને લોકોમાં ભારે નારાજગી જોવા મળી.

સોશિયલ મીડિયા પોસ્ટ બાદ KFCએ માંગી માફી

આ વીડિયો @averycommonman1 નામના યુઝરે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. પોસ્ટમાં યુઝરે KFC આઉટલેટની ફૂડ ક્વોલિટી (Food Quality) અને સ્વચ્છતા અંગે સવાલ ઉઠાવ્યા હતા.

મામલો ચર્ચામાં આવ્યા બાદ KFC Indiaએ પણ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને ગ્રાહકની માફી માંગી. કંપનીએ ગ્રાહકને ઓર્ડર ID શેર કરવા કહ્યું, જેથી તેમની ટીમ સંપર્ક કરીને સમગ્ર મામલાનો ઉકેલ લાવી શકે.

ફૂડ સેફ્ટી વિભાગે શરૂ કરી તપાસ

ચિકનમાં કીડો મળ્યાનો વીડિયો વાયરલ થયા બાદ ફૂડ સેફ્ટી વિભાગ (Food Safety Department) પણ હરકતમાં આવ્યો છે. ફૂડ સેફ્ટી અધિકારી સર્વેશ કુમારે જણાવ્યું કે મામલાની માહિતી મળતાં વિભાગની ટીમ ગૌર સિટી મોલ સ્થિત KFC આઉટલેટ પર તપાસ માટે પહોંચી હતી.

અધિકારીઓ દ્વારા આઉટલેટમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને અન્ય જરૂરી પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે તપાસ પૂર્ણ થયા બાદ નિયમો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સોશિયલ મીડિયા પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયા

મામલો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. કેટલાક યુઝર્સે તેને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન ગણાવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બીજી તરફ, કેટલાક લોકોએ આ ઘટનાને લઈને વ્યંગાત્મક ટિપ્પણીઓ પણ કરી છે. જોકે, અનેક યુઝર્સે ફૂડ સેફ્ટી (Food Safety) અને રેસ્ટોરન્ટમાં મળતા ખોરાકની ગુણવત્તા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

એક યુઝરે કહ્યું કે મોંઘું ભોજન લીધા બાદ તેમાં કીડો મળવો ગંભીર બાબત છે અને માત્ર રિફંડ આપવાથી મામલો પૂરો થવો જોઈએ નહીં. યુઝર્સે ફૂડ સેફ્ટી વિભાગ પાસે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

હાલ સમગ્ર મામલે ફૂડ સેફ્ટી વિભાગની તપાસ ચાલી રહી છે. તપાસના પરિણામ બાદ જ ચિકનમાં કીડો કેવી રીતે પહોંચ્યો અને આ મામલે કોઈ નિયમભંગ થયો છે કે નહીં તે સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : શેરબજારની શરૂઆત નબળી, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં

Back to top button