વેલ્લોરમાં નિર્માણાધીન ચર્ચની છત ધરાશાયી, ત્રણ મજૂરોના મોત, 11 ઘાયલ

Church Roof Collapse : તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં નિર્માણાધીન ચર્ચની છતનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ત્રણ મજૂરોના મોત થયા છે, જ્યારે 11 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ ફાયર બ્રિગેડ (Fire Brigade), પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને NDRFની ટીમે સ્થળ પર પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ અકસ્માત ગુરુવારે રાત્રે કાટપાડી નજીક આવેલા મંડી કૃષ્ણપુરમ વિસ્તારમાં બન્યો હતો. અહીં ચર્ચ ઓફ સાઉથ ઈન્ડિયા (Church of South India)ની ઇમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું. બાંધકામ દરમિયાન મજૂરો છત પર કૉન્ક્રીટ (Concrete) નાખી રહ્યા હતા ત્યારે અચાનક સ્લેબ તૂટી પડ્યો હતો.
સ્ટીલનું સ્કેફોલ્ડિંગ અને સપોર્ટ ફ્રેમવર્ક પણ તૂટ્યું
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, લગભગ 20 ફૂટ ઊંચું સ્ટીલ સ્કેફોલ્ડિંગ (Steel Scaffolding) અને સપોર્ટ ફ્રેમવર્ક અચાનક ધરાશાયી થયું હતું. તેના કારણે મજૂરો ભારે કૉન્ક્રીટ અને ઈંટ-પથ્થરના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. અધિકારીઓએ ત્રણ મજૂરોના મોતની પુષ્ટિ કરી છે.
ઘટનાની જાણ થતાં અરાક્કોનમથી NDRFની ટીમને પણ સ્થળ પર મોકલવામાં આવી હતી. જિલ્લા પ્રશાસન, પોલીસ અને ફાયર સર્વિસના કર્મચારીઓએ સાથે મળીને કાટમાળમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
11 ઈજાગ્રસ્તોને અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડાયા
અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા 11 મજૂરોને એમ્બ્યુલન્સ દ્વારા વેલ્લોર ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ હોસ્પિટલ, ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ હોસ્પિટલ અને આંધ્રપ્રદેશના ચિત્તૂરની એક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
વેલ્લોરના જિલ્લા કલેક્ટર પી.એસ. લીલા એલેક્સે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા આઠ ઈજાગ્રસ્ત મજૂરોની સ્થિતિ હાલ સ્થિર છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બાંધકામની મંજૂરીની પણ તપાસ થશે
આ અકસ્માત બાદ વહીવટીતંત્રે બાંધકામની સુરક્ષા અને જરૂરી મંજૂરીઓ અંગે તપાસ કરવાનો નિર્ણય લીધો છે. ઇમારતનું માળખું કેમ ધરાશાયી થયું અને બિલ્ડર પાસે ચર્ચના બાંધકામ માટે જરૂરી બિલ્ડિંગ પરમિટ (Building Permit) તથા અન્ય મંજૂરીઓ હતી કે નહીં, તેની તપાસ માટે સમિતિ બનાવવામાં આવશે.
આ પણ વાંચો : NSE IPO: 10 વર્ષ બાદ મોટો નિર્ણય, ₹1,700ના ભાવે 17 સપ્ટેમ્બરે ખુલશે ઈશ્યૂ












