ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દશેરા-દિવાળી પહેલાં રાહત: ખાંડના ભાવમાં મોટો ઘટાડો, અનેક શહેરોમાં ₹12થી ₹14 સુધી સસ્તી

Sugar Price Drop: તહેવારોની સિઝન શરૂ થવા પહેલાં સામાન્ય લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશના અનેક શહેરોમાં ખાંડના છૂટક અને જથ્થાબંધ ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દિલ્હીથી રાંચી સુધીના બજારોમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો આશરે 12થી 14 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. દશેરા, દિવાળી અને છઠ પૂજા જેવા મોટા તહેવારો દરમિયાન મીઠાઈ અને ખાંડની માંગ વધી જાય છે. એવામાં ભાવ ઘટવાથી ઘરેલુ ગ્રાહકો ઉપરાંત મીઠાઈ અને ફૂડ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ રાહત મળી શકે છે.

દિલ્હી-કાનપુરમાં ખાંડ સસ્તી

દિલ્હીમાં 22 ઓગસ્ટના ઊંચા સ્તરની સરખામણીએ 9 સપ્ટેમ્બરે ખાંડનો છૂટક ભાવ ઘટીને આશરે 56 રૂપિયા પ્રતિ કિલો થયો છે. રિપોર્ટ મુજબ અહીં લગભગ 12 રૂપિયાનો ઘટાડો થયો છે. કાનપુરમાં ખાંડનો ભાવ 69 રૂપિયાથી ઘટીને 56 રૂપિયા પ્રતિ કિલો થયો છે. મુંબઈ અને રાયપુરમાં ખાંડનો છૂટક ભાવ આશરે 56 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. રાંચીમાં ભાવ 70 રૂપિયાથી ઘટીને 57 રૂપિયા, ગુવાહાટીમાં 71થી 58 રૂપિયા અને કોલકાતામાં 70થી 58 રૂપિયા પ્રતિ કિલો થયો છે. હૈદરાબાદમાં ભાવ આશરે 57 રૂપિયા અને ચેન્નાઈમાં 60 રૂપિયા પ્રતિ કિલો પર આવ્યો છે.

જથ્થાબંધ બજારમાં પણ ઘટાડો

માત્ર રિટેલ જ નહીં, જથ્થાબંધ બજારમાં પણ ખાંડના ભાવ નીચે આવ્યા છે. મુંબઈમાં 22 ઓગસ્ટે એક ક્વિન્ટલ ખાંડનો ભાવ આશરે 6,750 રૂપિયા હતો, જે ઘટીને 5,100 રૂપિયા થયો છે. દિલ્હીમાં પણ ભાવ 6,600 રૂપિયાથી ઘટીને આશરે 5,150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નોંધાયો છે.

કાનપુરમાં જથ્થાબંધ ભાવ આશરે 5,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, જ્યારે રાયપુરમાં 5,150 રૂપિયા, રાંચીમાં 5,300 રૂપિયા, કોલકાતામાં 5,350 રૂપિયા, ગુવાહાટીમાં 5,400 રૂપિયા, હૈદરાબાદમાં 5,250 રૂપિયા અને ચેન્નાઈમાં 5,600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નોંધાયો છે. આ ભાવમાં GSTનો સમાવેશ થાય છે.

ખાંડના ભાવ કેમ ઘટી રહ્યા છે?

ખાંડના ભાવ કાબૂમાં રાખવા માટે કેન્દ્ર સરકારે મોટા ગ્રાહકો અને ડીલરો માટે સ્ટોક મર્યાદા સહિતના પગલાં લીધા છે. જથ્થાબંધ સંગ્રહ અને સ્ટોક છુપાવવાના મામલાઓ સામે કાર્યવાહી વધારવામાં આવી છે. ઉપરાંત સરકાર દ્વારા 21 ઓગસ્ટે 10 લાખ મેટ્રિક ટન ખાંડના ડ્યૂટી-ફ્રી આયાતને મંજૂરી આપવામાં આવી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. સરકારે ખાંડ મિલોને તહેવારો દરમિયાન બજારમાં પૂરતો પુરવઠો જાળવી રાખવા અને યોગ્ય ભાવે ખાંડ વેચવા સૂચના આપી છે. સરકાર ભાવ પર સતત નજર રાખશે અને જરૂર પડે તો ભાવ સ્થિર રાખવા માટે વધુ પગલાં પણ લઈ શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: અબુ સલેમની સમય પહેલાં મુક્તિની અરજી ફગાવી, 2030 સુધી જેલમાં રહેશે
Back to top button