યુપીમાં વરસાદ-વાવાઝોડાનો કહેર, 56 મોત અને 46 ઘાયલ
UP NEWS : ઉત્તર પ્રદેશમાં છેલ્લા 60 કલાક દરમિયાન અતિભારે વરસાદ, તોફાની પવન અને ગાજવીજ સંબંધિત વિવિધ દુર્ઘટનાઓમાં 56 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 46 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. રવિવારે રાજ્યના રાહત કમિશનર ડૉ. હૃષીકેશ ભાસ્કર યશોદે આ અંગે સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે અતિવૃષ્ટિ અને વાવાઝોડાને કારણે રાજ્યમાં 56 માનવ મૃત્યુ ઉપરાંત 107 પશુઓના મોત થયા છે તેમજ 1,021 મકાનોને નુકસાન પહોંચ્યું છે.
અસરગ્રસ્ત જિલ્લાઓમાં જાનમાલનું નુકસાન
રાહત કમિશનરના જણાવ્યા અનુસાર મુખ્ય નુકસાન નીચે મુજબના વિસ્તારોમાં નોંધાયું છે. સીતાપુરમાં 7, લખીમપુર ખેરીમાં 5, બહરાઇચમાં 5, બલરામપુરમાં 5, અયોધ્યામાં 4 અને ગોરખપુરમાં 4 લોકોના મોત થયા છે. હરદોઈમાં 7, મૈનપુરીમાં 5, શ્રાવસ્તીમાં 5, બારાબંકીમાં 5 તેમજ સીતાપુર અને લખીમપુર ખેરીમાં 3-3 વ્યક્તિઓ ઘાયલ થયા છે. હરદોઈમાં સૌથી વધુ 272 મકાનો તૂટી પડ્યા છે. આ ઉપરાંત સીતાપુરમાં 108, ચંદૌલીમાં 75, ઔરૈયામાં 60, ગોંડામાં 54, હમીરપુરમાં 51, શાહજહાંપુરમાં 47 અને બહરાઇચમાં 44 મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે.
56 જિલ્લાઓમાં ભારે વરસાદ, તંત્ર એલર્ટ મોડ પર
ઉત્તર પ્રદેશના કુલ 75 જિલ્લાઓમાંથી 56 જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઘણો વધુ વરસાદ નોંધાયો છે. રાહત કમિશનરે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્સ (DM) અને એડિશનલ ડીએમ સાથે બેઠક યોજીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. અધિકારીઓને ફિલ્ડમાં રહીને પ્રભાવિત નાગરિકો સાથે સીધો સંપર્ક રાખવા અને તાત્કાલિક સહાય પહોંચાડવા કડક સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો:56 વર્ષનો ઈંતજાર થયો પૂરો, સર્વેશ કુશારેએ હાઈ જમ્પમાં સિલ્વર જીતી રચ્યો ઈતિહાસ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વહીવટીતંત્રને ઝડપી પગલાં લેવા નિર્દેશ આપ્યા છે. પાકને થયેલા નુકસાનનું તાકીદે સર્વેક્ષણ કરી નિયમ મુજબ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે. જે પરિવારોના ઘરો ધરાશાયી થયા છે તેમને તાત્કાલિક આર્થિક મદદ અને જરૂર પડ્યે રહેવા માટે વૈકલ્પિક આશ્રયસ્થાનની વ્યવસ્થા કરવી.
હેલ્પલાઇન નંબર 1070 કાર્યરત
પાણી ભરાયેલા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા બચાવ ટુકડીઓ સતત કાર્યરત છે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ભારે પ્રવાહવાળી નદીઓ, નાળાઓ અને જળબંબાકાર વિસ્તારોથી દૂર રહેવું. કટોકટીની સ્થિતિમાં સહાય મેળવવા માટે રાહત કમિશનર કચેરીના ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1070 પર સંપર્ક કરી શકાય છે.
આ પણ વાંચો:ડાઉનલોડ કરો, પછી શેર કરો… હવે આ ઝંઝટ ખતમ! Reels શેરિંગ બનશે સરળ












