રોજગાર, વિશાળ રોકાણ, ઝીરો ટેરિફ… ભારત-ન્યૂઝીલેન્ડ FTA પર વાગી મહોર

National news: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર આજે મોહર લાગી ગઈ છે. બંને દેશોએ FTA પર હસ્તાક્ષર કરીને દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ડીલથી બંને દેશોમાં વેપાર, રોકાણ અને રોજગારમાં વધારો થશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના તેમના સમકક્ષ ટૉડ મૈક્લેની ઉપસ્થિતિમાં આ સમજૂતીને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. હવે ભારતીય કંપનીઓ ટેક્સ વગર ન્યૂઝીલેન્ડમાં સામાન મોકલી શકશે. આ ઉપરાંત આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ આવશે.
નિકાસકારોને રાહત
FTAની સૌથી મહત્ત્વની વાત એ છે કે બંને દેશોએ મુક્ત વેપાર કરારને અંતિમરૂપ આપવા માટે 16 માર્ચ-2025થી વાતચીત શરૂ કરી દીધી હતી, જેમાં માત્ર 9 મહિનાના અંતે આ ડીલને ફાઈનલ કરી દેવાઈ છે. આ સમજૂતી લાગુ થયા બાદ ભારત અને ન્યૂઝીલેન્ડના નિકાસકારો ટેક્સ વગર એકબીજાના દેશમાં નિકાસ કરી શકશે.
અગાઉ ભારતીય ઉત્પાદનો પર 10 ટકા ટેક્સ હતો
સમજૂતી પહેલા ન્યૂઝીલેન્ડે ભારતમાંથી નિકાસ થતા 450 ઉત્પાદનો પર 10 ટકા ટેક્સ લગાવ્યો હતો. હવે નવી સમજૂતી થયા બાદ આ ટેક્સ સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. આનાથી ભારતીય કાપડ અને તૈયાર વસ્ત્રો, ચામડા ઉદ્યોગ, ટોપીઓ, ચીની માટીના વાસણો (સિરેમિક્સ), ગાદલા, વાહનો તથા તેના સ્પેરપાર્ટ્સની નિકાસમાં વધારો થશે. આ ઉપરાંત ભારતે પણ ન્યૂઝલેન્ડથી આવતા 95 ટકા ઉત્પાદનો પર ટેક્સમાં રાહત અથવા ઘટાડી દીધો છે.
ન્યૂઝીલેન્ડ ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ કરશે
મુક્ત વેપાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરતી વખતે ન્યૂઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ રોકાણ યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) દ્વારા ભારત સાથે કરવામાં આવેલા કરારમાં પ્રસ્તાવિત 100 અબજ ડોલરના રોકાણ માળખા જેવું જ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ખેડૂતો અને એગ્રીકલ્ચર ઉદ્યોગને રાહત
ભારતે મુક્ત વેપાર કરાર કરતી વખતે ખેડૂતો અને એગ્રીકલ્ચર ઉદ્યોગના હિતને પણ ધ્યાને રાખ્યું છે. FTAમાંથી દૂધ, ક્રીમ, મઠ્ઠો, દહી અને પનીર જેવા ઉત્પાદનોને બહાર રખાયા છે. આ ઉપરાંત કૃષિ ઉત્પાદનોની નિકાસ પર પણ રાહત આપી નથી. સમજૂતીથી સર્વિસ સેક્ટરથી લઈને એગ્રીકલ્ચર સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધવાની પણ આશા વ્યક્ત કરાઈ છે.
આ પણ વાંચોઃ શેરબજારમાં તેજી, રોકાણકારોએ એક જ દિવસમાં છાપ્યા રૂ. 7 લાખ કરોડ












