કોણ છે ‘એમ સર’? NEET પેપર લીક સાથે શું છે કનેક્શન, CBIએ કરી ધરપકડ

NEET Paper leak: NEET પેપર લીક અંગે CBI તપાસ ચાલી રહી છે. મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના એક કોચિંગ શિક્ષક CBIની પકડમાં આવ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)ને શંકા છે કે NEETનું પેપર એક્ઝામના 10 દિવસ પહેલા જ આ શિક્ષક સુધી લીક થઈને પહોંચી ગયું હતું. લીક થયેલું પેપર તેમના મોબાઇલમાંથી મળી આવ્યું હતું. આ શિક્ષકનું પૂરું નામ શિવરાજ મોટેગાંવકર છે અને તે વિદ્યાર્થીઓમાં ‘એમ સર’ તરીકે જાણીતા છે. શિવરાજ મોટેગાંવકર રેણુકાઈ કરિયર સેન્ટર (RCC) ના સ્થાપક છે. તે મહારાષ્ટ્રમાં NEET અને JEE માટેનું સૌથી મોટું કોચિંગ નેટવર્ક છે.
રવિવારે થઈ ધરપકડ
NEET UG પેપર લીક કેસના સંદર્ભમાં CBI એ મહારાષ્ટ્રના લાતુર શહેરમાં રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસીસ (RCC) ના સ્થાપક શિવરાજ રઘુનાથ મોટેગાંવકરની ધરપકડ કરી છે, અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું. રવિવારે એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલી શોધ દરમિયાન, મોટેગાંવકરના મોબાઇલ ફોનમાંથી લીક થયેલ મેડિકલ પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર મળી આવ્યું હતું, જેના પગલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે CBIનો આરોપ છે કે મોટેગાંવકર NEET UG પ્રશ્નપત્ર લીક કરવામાં અને તેને ફરતુ કરવામાં સામેલ એક સંગઠિત ગેંગના સક્રિય સભ્ય હતા. તેમણે જણાવ્યું હતું કે મોટેગાંવકરે અન્ય આરોપીઓ સાથે મળીને 23 એપ્રિલ, 2026 ના રોજ યોજાનારી NEET UG પરીક્ષા પહેલા પ્રશ્નપત્ર અને જવાબો મેળવી લીધા હતા. તેમના પર આરોપ છે કે તેમણે ઘણા લોકોને પ્રશ્નપત્ર વહેંચ્યું હતું.
કોની તપાસ ચાલી રહી છે?
સીબીઆઈ વિવેક પાટિલ નામના વ્યક્તિની પણ તપાસ કરી રહી છે, જેને લીક થયેલ પેપર પણ મળ્યું હતું. કેન્દ્રીય એજન્સી હવે આરસીસી પરિસરમાંથી જપ્ત કરાયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો – મોબાઇલ ફોન, લેપટોપ, આઈપેડ અને ડિજિટલ સ્ટોરેજ સિસ્ટમ્સની ફોરેન્સિક તપાસ કરી રહી છે, જેથી નક્કી કરી શકાય કે લીક થયેલ NEET પેપર ત્યાં કેવી રીતે પહોંચ્યું. તપાસકર્તાઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે શું આ કોચિંગ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિની પહોંચ કોન્ફિડેન્શિયલ મટિરિયલ સુધી હતી? તેઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે શું તેમને NTA ની પેપર-સેટિંગ પ્રક્રિયામાં સામેલ કોઈપણ અંદરની વ્યક્તિ સુધી પહોંચ રાખતા હતા?
ઉભુ કર્યું હતું કોચિંગ એમ્પાયર
મોટેગાંવકરે મહારાષ્ટ્રમાં RCC ને એક મુખ્ય કોચિંગ બ્રાન્ડ બનાવી હતી. કોચિંગ સામ્રાજ્ય
બનાવ્યું. તેમણે એક સફળ કેમેસ્ટ્રી ટીચર અને એન્ટરપ્રિન્યોર તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી હતી. અહેવાલો અનુસાર RCC નું કોચિંગ નેટવર્ક ઘણા જિલ્લાઓમાં ફેલાયેલું છે, જેમાં વાર્ષિક આશરે 40,000 વિદ્યાર્થીઓ આ કેન્દ્રોમાં અભ્યાસ કરે છે. CBI પહેલેથી જ લાતુર અને પુણેમાં મોટેગાંવકરની ઘણી વખત પૂછપરછ કરી ચૂકી છે, જેમાં કેટલાક સેશન્સ તો ઘણા કલાકો સુધી ચાલ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કેટલાક ડોકટરો પર શંકા
એટલું જ નહીં રવિવારે સીબીઆઈએ રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસીસ (આરસીસી) ના મુખ્ય કાર્યાલય પર દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈ અધિકારીઓએ બપોરે લાતુરના શિવનગર વિસ્તારમાં સ્થિત આરસીસી કાર્યાલયમાં શોધખોળ શરૂ કરી હતી અને મોડી સાંજ સુધી ચાલુ રહી હતી. સીબીઆઈને શંકા છે કે લાતુરના કેટલાક ડોકટરોએ NEET-UG, 2026 નું કથિત રીતે લીક થયેલ પ્રશ્નપત્ર ખરીદ્યું હતું. છેલ્લા ચાર દિવસથી સીબીઆઈની એક ટીમ લાતુરમાં પડાવ નાખી રહી છે.












