ટ્રેન્ડિંગનેશનલમીડિયા

કટરા હેલિપેડ ટર્મિનલમાં વહેલી સવારે ભીષણ આગ, ટિકિટ કાઉન્ટર અને દુકાન બળ્યા

Katra Helipad Fire : જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પર્વતો પર આવેલા માતા વૈષ્ણો દેવી મંદિરના દર્શન માટે જતા શ્રદ્ધાળુઓના બેઝ કેમ્પ કટરામાં રવિવારે વહેલી સવારે હેલિપેડ ટર્મિનલમાં આગ લાગી હતી. આગના કારણે ટર્મિનલના એક ભાગને નુકસાન થયું છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.

વહેલી સવારે 3.15 વાગ્યે લાગી આગ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, હેલિપેડ ટર્મિનલમાં આગ વહેલી સવારે લગભગ 3.15 વાગ્યે લાગી હતી. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગ લાગી ત્યારે હેલિપેડ ટર્મિનલ બંધ હતું.

આગની જાણ થતાં જ ટર્મિનલના કર્મચારીઓ, સુરક્ષાકર્મીઓ અને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ટીમોએ મળીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. લગભગ 30 મિનિટની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

ટિકિટ કાઉન્ટર અને દુકાનને નુકસાન

આગની ઝપેટમાં આવતા ટિકિટ કાઉન્ટર પર રાખવામાં આવેલા કેટલાક કમ્પ્યુટર બળીને ખાક થઈ ગયા હતા. આ ઉપરાંત ટર્મિનલની એક દુકાનમાં પણ આગ લાગી હતી, જેના કારણે દુકાનનો સામાન બળી ગયો હતો.

હાલ અધિકારીઓ દ્વારા હેલિપેડ ટર્મિનલને થયેલા નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. આગ કેવી રીતે લાગી અને કેટલું નુકસાન થયું તે અંગે વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે.

શ્રદ્ધાળુઓ માટે મહત્વનું હેલિપેડ ટર્મિનલ

કટરાનું આ હેલિપેડ ટર્મિનલ માતા વૈષ્ણો દેવી મંદિરના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે મહત્વનું કેન્દ્ર છે. અહીંથી શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટર દ્વારા વૈષ્ણો દેવી યાત્રા માટે હવાઈ સુવિધા આપવામાં આવે છે.

ઘટના બાદ હેલિપેડ પર આગથી બચાવ અને સુરક્ષાની વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ તપાસવામાં આવી રહી છે.

આ પણ  વાંચો : ભારતમાં આવશે ગંભીર પ્રલય, 188 વૈજ્ઞાનિકોએ આપી ભયાનક ચેતવણી

Back to top button