
INS Aridhaman: ભારત સંરક્ષણ ક્ષેત્રે કોઈ કાળે ઢીલપ મુકે તેમ નથી અને દેશની સુરક્ષા માટે એક પછી એક હથિયારોની ખરીદી કરી રહી છે તેમજ સંરક્ષણ સાધનોમાં પણ વધારો કરી રહી છે. ભારતીય નેવી વધુ મજબૂત બને તે માટે ભારત સરકાર દ્વારા એક ખાસ સબમરીન તૈયાર કરવામાં આવી છે, જેને જોતા જ દુશમનો થરથર કાંપવા લાગશે.
વધુ એક સ્વદેશી સબમરીન તૈયાર
ભારત તેની દરિયાઈ લશ્કરી શક્તિ અને પરમાણુ પ્રતિરોધ ક્ષમતારને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે તૈયાર છે. દેશની ત્રીજી સ્વદેશી પરમાણુ-સક્ષમ સબમરીન (SSBN), INS અરિધમન (S4) આ વર્ષે એપ્રિલ-મે સુધીમાં ભારતીય નેવી (નૌકાદળ)માં સામેલ થશે તેવી સંભાવના છે.
ભારતની ક્ષમતામાં મોટો વધારો
ભારતીય નૌકાદળના વડા એડમિરલ ડી.કે. ત્રિપાઠીએ ગયા ડિસેમ્બરમાં સંકેત આપ્યો હતો કે INS અરિધમન 2026માં કાર્યરત થશે. સબમરીન હાલમાં તેના દરિયાઈ પરીક્ષણોના અંતિમ તબક્કામાં છે. INS અરિધમનના સમાવેશ સાથે, ભારત પાસે પ્રથમ વખત ત્રણ કાર્યરત પરમાણુ સબમરીન હશે. આ ભારતને ‘સતત સમુદ્રી પ્રતિરોધક’ની વ્યૂહરચના પ્રાપ્ત કરવાની નજીક લઈ જશે, જેનો અર્થ છે કે ઓછામાં ઓછી એક ભારતીય પરમાણુ સબમરીન વર્ષમાં 365 દિવસ સમુદ્રમાં પેટ્રોલિંગ પર રહેશે.
INS અરિધમન કેમ છે ખાસ?
એડવાન્સ્ડ ટેક્નોલોજી વેસલ (ATV) પ્રોજેક્ટ હેઠળ વિશાખાપટ્ટનમમાં બનેલી આ સબમરીન INS અરિહંત અને INS અરિઘાટ કરતાં વધુ ઘાતક અને એડવાન્સ છે. અગાઉની સબમરીનની 6,000 ટન સબમરીનની સરખામણીમાં અરિધમનનું વજન 7,000 ટન છે. આ સબમરીન K-4 બેલિસ્ટિક મિસાઇલોથી સજ્જ હશે, જેની રેન્જ 3,500 કિલોમીટર છે. તે 24 K-15 સાગરિકા મિસાઇલો (750 કિમી રેન્જ) પણ લઈ જઈ શકે છે. એટલું જ નહીં પરંતુ 83-મેગાવોટ પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટરથી સજ્જ છે. દુશ્મનની નજરોથી બચવા માટે, તેમાં અદ્યતન એનેકોએક ટાઇલ્સ છે, જે અવાજ ઘટાડે છે અને તેને રડાર દ્વારા શોધી શકાતી નથી.
પરમાણું હુમલાને રોકવા જવાબ આપવાની ક્ષમતા
પરફેક્ટ ટાર્ગેટ માટે સ્વદેશી રીતે વિકસિત USHUS અને પંચેન્દ્રિય સોનાર સિસ્ટમ્સથી સજ્જ છે. એકવાર કાર્યરત થયા પછી, INS અરિધમનને વિશાખાપટ્ટનમ નજીક પ્રોજેક્ટ વર્ષા નામના ઉચ્ચ-સુરક્ષા ભૂગર્ભ બેઝ પર તૈનાત કરવામાં આવશે. આ વિકાસ ભારતને એવા પસંદગીના દેશોની શ્રેણીમાં મજબૂત રીતે સ્થાન આપે છે જેમની પાસે સમુદ્રની નીચેથી પરમાણુ હુમલાને રોકવા અને તેનો જવાબ આપવાની ક્ષમતા છે.
આ પણ વાંચો : નાના ભાઈ એન્ડ્ર્યુઝ માઉન્ટબેટનની ધરપકડ પર બ્રિટિશ કિંગ ચાર્લ્સની પહેલી પ્રતિક્રિયા












