આજે આમળા નવમીનો પર્વ, જાણો વ્રતકથા; પૂજાથી મળશે અખૂટ પુણ્યફળ

Amla Navami Vrat Katha : આજે 18 નવેમ્બર 2026, બુધવારના રોજ આમળા નવમી (Amla Navami)નો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ પર્વને અક્ષય નવમી (Akshaya Navami) તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને આમળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા મુજબ, આ દિવસે પૂજા, જાપ, તપ અને દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલા માટે ભક્તો આમળાના વૃક્ષની પૂજા કરે છે અને તેની છાયામાં બેસીને ભોજન પણ કરે છે.
ધાર્મિક માન્યતાઓ પ્રમાણે કારતક સુદ નવમીથી કારતક પૂર્ણિમા સુધી ભગવાન વિષ્ણુ આમળાના વૃક્ષમાં નિવાસ કરે છે. આમળા નવમીના દિવસે વૃક્ષની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે તેવી માન્યતા છે. આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવું, આમળાના વૃક્ષ નીચે ભોજન કરવું અને વ્રતકથાનું વાંચન કરવું શુભ માનવામાં આવે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આમળા નવમી 2026: શુભ મુહૂર્ત
નવમી તિથિનો પ્રારંભ 18 નવેમ્બર, સવારે 6:04 વાગ્યે
નવમી તિથિની સમાપ્તિ 19 નવેમ્બર, સવારે 7:05 વાગ્યે
પૂજાનો શુભ સમય સવારે 6:46થી બપોરે 12:06 વાગ્યા સુધી
આમળા નવમીની પૌરાણિક વ્રતકથા
પૌરાણિક કથા અનુસાર, એક વખત માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા આવ્યાં હતાં. આ દરમિયાન તેમના મનમાં વિચાર આવ્યો કે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની એકસાથે પૂજા કેવી રીતે કરી શકાય? ત્યારે તેમને યાદ આવ્યું કે તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે અને બીલીપત્ર ભગવાન શિવને પ્રિય છે. જ્યારે આમળાના વૃક્ષમાં બંને દેવતાઓના ગુણ સમાયેલા છે. આ વિચાર સાથે માતા લક્ષ્મીએ આમળાના વૃક્ષની પૂજા કરી.
માતાની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ બંને પ્રગટ થયા. ત્યારબાદ માતા લક્ષ્મીએ આમળાના વૃક્ષ નીચે ભોજન બનાવ્યું અને બંને દેવતાઓને ભોગ ધરાવ્યો. પછી પોતે પણ પ્રસાદ ગ્રહણ કર્યો. એવી માન્યતા છે કે ત્યારથી આમળા નવમીના દિવસે વૃક્ષની પૂજા કરવાની અને તેની નીચે બેસીને ભોજન કરવાની પરંપરા શરૂ થઈ.
શેઠ અને શેઠાણીની કથા
એક નગરમાં એક ધનવાન શેઠ અને શેઠાણી રહેતાં હતાં. શેઠાણીનો નિયમ હતો કે તેઓ દરરોજ એક સોનાનું આમળું દાન કર્યા પછી જ ભોજન લેતાં હતાં.એક દિવસ તેમના દીકરાઓ અને વહુઓને લાગ્યું કે જો આ રીતે દરરોજ સોનું દાન કરવામાં આવશે તો પરિવારની બધી સંપત્તિ ખતમ થઈ જશે. તેમણે શેઠાણીને સોનાના બદલે સાદું આમળું દાન કરવાની સલાહ આપી. શરૂઆતમાં શેઠાણીએ તેમની વાત માની લીધી, પરંતુ થોડા સમય બાદ વહુઓએ સાદું આમળું દાન કરવાનું પણ બંધ કરાવી દીધું. આ ઘટનાથી દુઃખી થઈને શેઠ અને શેઠાણી ઘર છોડીને જંગલમાં ચાલ્યાં ગયાં. રાત જંગલમાં વિતાવ્યા બાદ સવારે તેમણે જોયું તો ત્યાં સોનાનાં આમળાંથી ભરેલું એક વૃક્ષ ઊગી આવ્યું હતું.
શેઠાણીએ તે વૃક્ષ પરથી સોનાનું આમળું લઈને દાન કર્યું અને ત્યારબાદ ભોજન ગ્રહણ કર્યું. સમય જતાં તેમનો વેપાર ફરીથી સારો ચાલવા લાગ્યો અને તેઓ ફરી ધનવાન બન્યાં. બીજી તરફ, લોભી દીકરાઓ અને વહુઓનો વેપાર ઠપ થઈ ગયો અને તેઓ મુશ્કેલીમાં મુકાયાં. એક દિવસ તેઓ પોતાના માતા-પિતા પાસે પહોંચ્યાં અને પોતાની ભૂલનો અહેસાસ થતાં તેમની માફી માંગી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
‘આંવલિયા રાજા’ની કથા
એક રાજાનો નિયમ હતો કે તેઓ દરરોજ સવા મણ અથવા એક મણ સોનાનાં આમળાંનું દાન કર્યા પછી જ ભોજન ગ્રહણ કરતા હતા. રાજાના આ નિયમથી રાજકુમાર અને રાજપરિવારની વહુઓ નારાજ હતાં. તેમણે રાજાને સોનાનાં આમળાંનું દાન બંધ કરવાની સલાહ આપી. પરિવારના આગ્રહને કારણે રાજાએ દાન કરવાનું બંધ કરી દીધું. આથી રાજા અને રાણી ખૂબ દુઃખી થયાં અને મહેલ છોડીને જંગલમાં ચાલ્યાં ગયાં. જંગલમાં તેઓ ભૂખ્યાં-તરસ્યાં રહેવા લાગ્યાં.ભગવાને રાજાની ભક્તિ અને દાનભાવના જોઈ. તેમની કૃપાથી જંગલમાં જ સોનાનાં આમળાંથી ભરેલું ભવ્ય રાજ્ય અને વૃક્ષ પ્રગટ થયાં. રાજા-રાણીને ફરીથી સુખ, સન્માન અને સમૃદ્ધિ પ્રાપ્ત થયાં.આ કથામાંથી સંદેશ મળે છે કે સાચી શ્રદ્ધા, દાન અને સદ્કર્મ ક્યારેય વ્યર્થ જતાં નથી. નિઃસ્વાર્થ ભાવથી કરેલું દાન અને ભક્તિનું ફળ એક દિવસ અવશ્ય મળે છે તેવી ધાર્મિક માન્યતા છે.
ધાર્મિક માન્યતા: આ લેખમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને પરંપરાગત કથાઓ પર આધારિત છે. તેની સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ પણ વાંચો : સુરત-નવસારી વચ્ચે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, કોચનો કાચ તૂટતા મુસાફરો ગભરાયા











