ઓપરેશન સિંદૂરના 18 મહિના બાદ ભારતે પાકિસ્તાનને મોકર્યું આમંત્રણ! દિલ્હીમાં SCOના ‘સભ્યતા સંવાદ મંચ’માં પાકિસ્તાન પણ સામેલ થઈ શકે
SCO Summit 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે એક મહત્ત્વપૂર્ણ રાજદ્વારી ઘટનાક્રમ સામે આવ્યો છે. ભારતે નવી દિલ્હીમાં 20થી 22 નવેમ્બર દરમિયાન યોજાનારા પ્રથમ ‘સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમ’ (સભ્યતા સંવાદ મંચ) માટે શાંઘાઈ સહકાર સંગઠન (SCO)ના તમામ 10 સભ્ય દેશોને આમંત્રણ આપ્યું છે. આ યાદીમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાનના રાષ્ટ્રીય વારસો અને સંસ્કૃતિ મંત્રી ઔરંગઝેબ ખાન ખિચીને પણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સભ્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરવાનો, પરસ્પર સમજણ વધારવાનો અને સંવાદને પ્રોત્સાહન આપવાનો છે. જોકે, પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ બહુપક્ષીય પહેલને બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો સાથે જોડીને જોવી જોઈએ નહીં.
SCOના તમામ 10 દેશોને આમંત્રણ
ભારત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં SCOના તમામ સભ્ય દેશોને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, રશિયા, ઈરાન, બેલારુસ, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મંચનો હેતુ વિવિધ સભ્ય દેશોની સભ્યતા, સંસ્કૃતિ અને પરંપરાઓ વચ્ચે સંવાદ સ્થાપિત કરવાનો છે. ભારત આ પહેલને એક વ્યાપક બહુપક્ષીય કાર્યક્રમ તરીકે જોઈ રહ્યું છે.
અગાઉ 20 ઑક્ટોબરના રોજ રક્ષામંત્રી રાજનાથ સિંહે જાહેરાત કરી હતી કે ભારત વર્ષના અંતમાં પ્રથમ SCO સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમનું આયોજન કરશે.
ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને આમંત્રણ
પાકિસ્તાનને આ કાર્યક્રમ માટે આમંત્રણ એવા સમયે આપવામાં આવ્યું છે, જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધો પહેલગામ આતંકી હુમલા અને ત્યારબાદ થયેલી સૈન્ય કાર્યવાહી બાદ તણાવપૂર્ણ રહ્યા છે.
પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોનાં મોત થયા બાદ ભારતે 7 મેના રોજ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. આ સૈન્ય કાર્યવાહી દરમિયાન ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)માં આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવ્યાં હતાં.
અહેવાલ મુજબ, 7 મેથી 10 મે દરમિયાન ચાલેલી આ કાર્યવાહી બાદ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો હતો. આ ઘટનાક્રમે બંને દેશોના સંબંધોમાં ગંભીર તણાવ ઊભો કર્યો હતો.
આવા સંજોગોમાં પાકિસ્તાનને SCOના બહુપક્ષીય કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવવું રાજદ્વારી દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, આ આમંત્રણને ભારત-પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સુધારાના સંકેત તરીકે જોવું યોગ્ય નહીં બને.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
SCOમાં હાલમાં 10 સભ્ય દેશો
શાંઘાઈ સહકાર સંગઠન (SCO) પ્રાદેશિક સહકાર, સુરક્ષા અને આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપતું આંતરરાષ્ટ્રીય સંગઠન છે. હાલમાં તેના 10 સભ્ય દેશો છે:
- ભારત
- પાકિસ્તાન
- ચીન
- રશિયા
- ઈરાન
- બેલારુસ
- કઝાકિસ્તાન
- કિર્ગિસ્તાન
- તાજિકિસ્તાન
- ઉઝબેકિસ્તાન
ભારત વર્ષ 2017માં SCOનું પૂર્ણ સભ્ય બન્યું હતું. આ સંગઠનના મંચ પર સભ્ય દેશો સુરક્ષા, આતંકવાદ સામેની કાર્યવાહી, પ્રાદેશિક સ્થિરતા અને સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરે છે.
આતંકવાદના મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ
ભારતે આંતરરાષ્ટ્રીય મંચો પર આતંકવાદ સામે સતત કડક વલણ અપનાવ્યું છે. અગાઉ SCOની બેઠક દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે આતંકવાદ સામે સંયુક્ત કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે આતંકવાદને કોઈ પણ સંજોગોમાં યોગ્ય ઠેરવી શકાય નહીં અને આતંકવાદ સામેની લડાઈમાં બેવડાં ધોરણો અપનાવવા જોઈએ નહીં.
પાકિસ્તાનના પ્રતિનિધિઓની હાજરીમાં આપવામાં આવેલા આ સંદેશને ભારતના આતંકવાદ વિરોધી વલણના ભાગરૂપે જોવામાં આવ્યો હતો.
શું પાકિસ્તાનના પ્રતિનિધિઓ દિલ્હીમાં હાજરી આપશે?
ભારતે પાકિસ્તાન સહિત તમામ SCO સભ્ય દેશોને આમંત્રણ મોકલ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. જોકે, પાકિસ્તાનના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે કે નહીં તે અંગે અંતિમ પુષ્ટિની રાહ જોવી પડશે.












