બલૂચ લિબરેશન ફ્રન્ટનો મોટો દાવો, પાકિસ્તાનના 80 સૈનિકો માર્યાનો દાવો

Almas Attack : બલૂચિસ્તાનમાં ફરી હિંસક અથડામણનો મામલો સામે આવ્યો છે. બલૂચ લિબરેશન ફ્રન્ટ (BLF)એ દાવો કર્યો છે કે ગ્વાદર અને આસપાસના વિસ્તારોમાં ચલાવવામાં આવેલા ‘ઓપરેશન અલ્માસ’ દરમિયાન પાકિસ્તાની સૈન્ય અને ગુપ્તચર વિભાગના 80થી વધુ કર્મચારીઓને ઠાર કરવામાં આવ્યા છે. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી અને પાકિસ્તાની સૈન્ય તરફથી આ અંગે અલગ જ માહિતી આપવામાં આવી છે.
BLFના પ્રવક્તા મેજર ગ્વાહરામ બલૂચે 27 ઑક્ટોબરે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે 22 ઑક્ટોબરથી શરૂ થયેલા આ અભિયાન દરમિયાન પાકિસ્તાની સૈન્યનાં ઠેકાણાં, ગુપ્તચર કચેરીઓ અને સુરક્ષા ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ગ્વાદરમાં સૈન્ય ઠેકાણાં પર હુમલાનો દાવો
BLFના જણાવ્યા અનુસાર, તેના લડવૈયાઓએ ગ્વાદરમાં ફ્રન્ટિયર વર્ક્સ ઓર્ગેનાઇઝેશન (FWO)ના મુખ્ય કેમ્પ પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત ગબ્દ અને રિમદાન વિસ્તારોમાં આવેલા સૈન્ય ઠેકાણાંને પણ નિશાન બનાવવામાં આવ્યાં હતાં.
સંગઠને એવો પણ દાવો કર્યો છે કે આ કાર્યવાહી દરમિયાન 12 બખ્તરબંધ વાહનો અને સપ્લાય ટ્રકોનો નાશ કરવામાં આવ્યો હતો. ચાર ક્વાડકોપ્ટર અને બે દેખરેખ માટે ઉપયોગમાં લેવાતા ડ્રોન તોડી પાડવામાં આવ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. વધુમાં, તેના લડવૈયાઓએ બે પોલીસ સ્ટેશન પર કબજો મેળવ્યો હતો અને મુખ્ય કેમ્પ પર 20 કલાકથી વધુ સમય સુધી નિયંત્રણ જાળવી રાખ્યું હતું.
સંગઠનના જણાવ્યા અનુસાર, આ અભિયાનનું નામ કમાન્ડર અલ્માસ બલૂચના નામ પરથી રાખવામાં આવ્યું હતું. BLFએ ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ પર ભવિષ્યમાં પણ હુમલા કરવાની ધમકી આપી છે.
પાકિસ્તાની સૈન્યએ શું કહ્યું?
પાકિસ્તાનની સૈન્ય મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR)એ આ ઘટનાને લઈને અલગ દાવો કર્યો છે. તેના જણાવ્યા અનુસાર, ગ્વાદરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલી કાર્યવાહીમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
ISPRએ વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં એક નાગરિકનું મોત થયું હતું અને કેટલાંક વાહનોને નુકસાન પહોંચ્યું હતું. સૈન્યના દાવા મુજબ, સુરક્ષા દળોને કોઈ નુકસાન થયું નથી. પાકિસ્તાની સૈન્યએ આ હુમલાને રાજ્યની સત્તાને પડકારવાનો પ્રયાસ ગણાવ્યો હતો અને તેના માટે ભારતને જવાબદાર ઠેરવવાનો આરોપ પણ લગાવ્યો હતો. જોકે, BLF અને પાકિસ્તાની સૈન્ય દ્વારા આપવામાં આવેલા આંકડાઓમાં મોટો તફાવત છે. બંને પક્ષના દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ ન હોવાથી મૃત્યુઆંક અને નુકસાનની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી.
બલૂચિસ્તાનમાં લાંબા સમયથી સંઘર્ષ
બલૂચિસ્તાનમાં લાંબા સમયથી અલગતાવાદી સંગઠનો અને પાકિસ્તાની સુરક્ષા દળો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. અલગતાવાદી જૂથો કુદરતી સંસાધનોના શોષણ અને સૈન્ય કાર્યવાહીને લઈને વિરોધ વ્યક્ત કરતાં રહ્યાં છે. ગ્વાદર ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો મહત્ત્વનો ભાગ હોવાથી અહીં થતી હિંસક ઘટનાઓની અસર આર્થિક પ્રોજેક્ટ્સ અને પ્રાદેશિક સુરક્ષા પર પણ પડી શકે છે. આવા સંઘર્ષમાં સામાન્ય નાગરિકોની સુરક્ષા, સ્થાનિક વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને નુકસાન થવાની ચિંતા વધી રહી છે.
આ પણ વાંચો : અમદાવાદના બોપલ-શેલામાં ચેઇન સ્નેચિંગથી ચકચાર! PSIની પત્નીના ગળામાંથી ₹1.75 લાખની સોનાની ચેઇન ઝૂંટવી બાઇકસવારો ફરાર












