FATFની બેઠકમાં ભારતની રણનીતિ ગુપ્ત, મસૂદ અઝહર મુદ્દે પાકિસ્તાનની મુશ્કેલી વધવાની શક્યતા

Pakistan Masood Azhar : પાકિસ્તાન સામે આતંકવાદને લગતા મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી સવાલો ઊભા થઈ શકે છે. ભારતે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની પૂર્ણ બેઠકમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર સામે કાર્યવાહી ન કરવા બદલ પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવવાની તૈયારી કરી છે. અહેવાલો અનુસાર, 28થી 30 ઑક્ટોબર દરમિયાન પેરિસમાં યોજાનારી બેઠકમાં પાકિસ્તાનના આતંકવાદ વિરોધી પ્રયાસોની સમીક્ષા થઈ શકે છે.
મસૂદ અઝહર સામે કાર્યવાહી ન થઈ હોવાનો ભારતનો દાવો
આ મામલાથી પરિચિત સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતનો મુખ્ય ભાર મસૂદ અઝહરની પ્રવૃત્તિઓ સામે પાકિસ્તાને કોઈ નક્કર પગલાં લીધાં હોવાના પુરાવા ન હોવા પર રહેશે. ભારતનું કહેવું છે કે તાલિબાન શાસને પાકિસ્તાનના એ દાવાને નકારી કાઢ્યો છે, જેમાં મસૂદ અઝહર 2019થી અફઘાનિસ્તાનમાં હોવાની વાત કહેવામાં આવી હતી.
પાકિસ્તાને લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ સહિત કેટલાક આતંકવાદીઓની પ્રવૃત્તિઓને રોકવા માટે પગલાં લીધાં હોવાની વાત સામે આવી છે. જોકે, મસૂદ અઝહર સામે આવી કોઈ કાર્યવાહી થઈ હોવાના પુરાવા ઉપલબ્ધ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અહેવાલો મુજબ, ભારતે છેલ્લા એક સપ્તાહ દરમિયાન સહયોગી દેશોના રાજદ્વારીઓ અને FATFના મુખ્ય સભ્ય દેશો સાથે સંપર્ક સાધ્યો છે. આ મુદ્દે સમર્થન મેળવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. FATFની બેઠકમાં પાકિસ્તાનના આતંકવાદ સામેના પ્રયાસોનું મૂલ્યાંકન થવાની શક્યતા છે.
અનેક આતંકી હુમલાઓમાં મસૂદ અઝહરનું નામ
ભારતને સંસદ પરનો 2001નો આતંકવાદી હુમલો, 2016માં પઠાણકોટ એરબેઝ પરનો હુમલો અને 2019માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા જેવા અનેક કેસોમાં મસૂદ અઝહરની ભૂમિકા અંગે કાર્યવાહી કરવાની માંગ રહી છે.
મસૂદ અઝહરને ડિસેમ્બર 1999માં કંદહાર વિમાન અપહરણકાંડ બાદ મુક્ત કરવામાં આવ્યો હતો. કાઠમંડુથી દિલ્હી આવી રહેલી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ IC-814નું અપહરણ થયા બાદ મુસાફરોની મુક્તિના બદલામાં ભારતે મસૂદ અઝહર સહિત ત્રણ આતંકવાદીઓને છોડ્યા હતા. ત્યારબાદ મે 2019માં ચીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ સામેનો પોતાનો વિરોધ પાછો ખેંચ્યો હતો. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો.
શું પાકિસ્તાન ફરી ગ્રે લિસ્ટમાં આવશે?
FATF એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે મની લોન્ડરિંગ અને આતંકવાદના નાણાકીય ભંડોળ સામેના પ્રયાસોનું મૂલ્યાંકન કરે છે. તેની ગ્રે લિસ્ટમાં એવા દેશોનો સમાવેશ થાય છે, જેમની નાણાકીય વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા વધુ દેખરેખ અને સુધારાત્મક પગલાંની જરૂર હોય છે.
ભારત આ બેઠકમાં મસૂદ અઝહર સામેની કાર્યવાહીનો મુદ્દો ઉઠાવે તો પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધવાની શક્યતા છે. જોકે, પાકિસ્તાનને ફરી ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવશે કે નહીં, તેનો નિર્ણય FATFની સમીક્ષા અને સભ્ય દેશોના મૂલ્યાંકન પર નિર્ભર રહેશે. માત્ર આ મુદ્દો ઉઠાવવાથી પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવશે એવું નિશ્ચિત કહી શકાય નહીં.
આ પણ વાંચો : ચક્રવાત ‘અર્નબ’નો આંધ્રપ્રદેશમાં કહેર! 150 કિમીની ઝડપે પવન,જોઈ લો તબાહીના આ VIDEO












