મોટેરા સ્ટેડિયમને વિશ્વ સ્તરનું બનાવવા તૈયારી: 50થી વધુ કોમર્શિયલ મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

અમદાવાદ: કોમનવેલ્થ અને ઓલમ્પિક જેવા મહત્વના આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારના વિકાસની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. આ ભાગરૂપે સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી સ્ટેડિયમ તરફ જતા રોડને પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા આજે સવારથી ડી માર્ટ સુધીના વિસ્તારમાં કોમર્શિયલ મિલકતોના ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદાજે 50થી વધુ કોમર્શિયલ મિલકતો તોડી પાડવામાં આવશે.
રોડ પહોળા કરવામાં આવશે
હાલમાં 18 મીટર પહોળો આવેલો રોડ 61 મીટર પહોળો કરવામાં આવશે. આ માટે અગાઉ કોમર્શિયલ મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી. આજે સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનોની મદદથી ડિમોલિશન કાર્ય શરૂ કરાયું છે.
હાલમાં કોઈ પણ રહેણાંક મિલકતોને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ડી માર્ટ પછીના વિસ્તારમાં કેટલીક કોમર્શિયલ અને રેસીડેન્શિયલ બિલ્ડિંગો સામે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી તે વિસ્તારમાં હાલ ડિમોલિશન કરવામાં આવશે નહીં. આ ઉપરાંત, સામેના ભાગે આવેલી ONGCની ઓફિસને શિફ્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, તેથી ત્યાં પણ હાલમાં ડિમોલિશન થશે નહીં.
આ વિકાસ કામગીરીથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીની પહોંચ અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે, જે આંતરરાષ્ટ્રીય ક્રીડા પ્રસંગો માટે અમદાવાદને વધુ સારી રીતે તૈયાર કરશે.
આ પણ વાંચો: સિઝફાયર તૂટ્યું, ઈરાન-અમેરિકા વચ્ચે ફરી જંગ શરુ: ઈરાને અમેરિકાના સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો












