વધુ એક NEET વિદ્યાર્થીની આત્મહત્યા, ગાઝિયાબાદમાં ફાંસો ખાધેલી લાશ મળતા ચકચાર

National News: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં NEET પરીક્ષાની તૈયારી કરી રહેલા 22 વર્ષીય વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીએ એક ભાવનાત્મક વીડિયો રેકોર્ડ કર્યો, જેમાં તેણે પોતાના મૃત્યુનું કારણ સમજાવ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી છે.
આ ઘટના ગાઝિયાબાદના વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 22 વર્ષીય વિદ્યાર્થી લાંબા સમયથી NEET પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વારંવાર પ્રયાસ કરવા છતાં નિષ્ફળ જવાને કારણે તે ખૂબ જ તણાવમાં હતો. ગુરુવારે રાત્રે તે રાબેતા મુજબ અભ્યાસ કરવા માટે તેના રૂમમાં ગયો. બીજા દિવસે સવારે જ્યારે રૂમ લાંબા સમય સુધી ખુલ્યો ન હતો ત્યારે તેના પરિવારના સભ્યો અંદર ગયા અને તેનો મૃતદેહ ફાંસીથી લટકતો જોયો.
મૃત્યુ પહેલા વીડિયો બનાવ્યો
ઘટનાની માહિતી મળતાં વિજયનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી પુરાવા એકત્રિત કર્યા હતા. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા પહેલા તેના મોબાઇલ ફોન પર એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે અનેક પ્રયાસો છતાં NEET પરીક્ષા પાસ ન થવાને કારણે તે માનસિક દબાણમાં હતો. તેણે એ પણ સ્પષ્ટતા કરી કે તેના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી.
NEETના વિદ્યાર્થીઓ દબાણ હેઠળ, કુલ 12 ઉમેદવારો મોતને ભેટ્યા
પોલીસ રેકોર્ડ, પરિવારના અહેવાલો અને મીડિયા અહેવાલો અનુસાર, પેપર લીક કૌભાંડને કારણે NEET-UG 2026 રદ થયા પછી અને 21 જૂને ફરીથી પરીક્ષા લેવાના સમયગાળા દરમિયાન ભારતભરમાં ઓછામાં ઓછા 12 NEET ઉમેદવારોએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. તેમાં અમદાવાદ સહિત તમિલનાડુ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર કર્ણાટક અને ગાઝિયાબાદમાંથી મૃત્યુના અહેવાલો મળ્યા છે












