મોંઘવારી છતાં ધનતેરસ પર બજારોમાં ધમધમાટ! દેશમાં ₹1.25 લાખ કરોડથી વધુનો વેપાર થયો

ધનતેરસના પવિત્ર પર્વ નિમિત્તે શુક્રવારે દેશભરના બજારોમાં ખરીદીનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોંઘવારી હોવા છતાં ગ્રાહકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડ્યા હતા. સોના-ચાંદી, ઓટોમોબાઇલ, વાસણો, રસોડાનાં સાધનો, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ ઉપકરણો, સૂકોમેવો, મીઠાઈ તેમજ માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિઓ સહિત અનેક શુભ વસ્તુઓની ધૂમ ખરીદી થઈ હતી.
વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના પ્રાથમિક અંદાજ મુજબ, આ વર્ષે ધનતેરસના પર્વ પર દેશમાં કુલ વેપારમાં 10થી 15 ટકાનો વધારો થવાની સાથે ₹1.25 લાખ કરોડથી વધુનું રેકોર્ડ ટર્નઓવર થવાની શક્યતા છે. જ્યારે એકલા મુંબઈ મહાનગર વિસ્તારમાં અંદાજે ₹11,000 કરોડનો વેપાર નોંધાયો હોવાનું અનુમાન છે.
સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો ગ્રાહકોએ લીધો લાભ
ધનતેરસના દિવસે સરાફા બજારોમાં પણ જોરદાર ખરીદી જોવા મળી હતી. છેલ્લા એક મહિનામાં સોના-ચાંદીના ભાવમાં અંદાજે 5થી 15 ટકાનો ઘટાડો થતાં ગ્રાહકોનો ઉત્સાહ વધ્યો હતો. ભાવમાં આવેલી મંદીનો લાભ લઈને લોકોએ સોનાનાં ઘરેણાં, ચાંદીના વાસણો અને સિક્કાની ખરીદી કરી હતી.
પ્રાથમિક અંદાજ મુજબ, દેશભરમાં સોના-ચાંદીનો કુલ વેપાર ₹66,000 કરોડથી વધુ રહેવાની શક્યતા છે. જ્યારે મુંબઈના બુલિયન બજારમાં જ ₹6,500 કરોડથી વધુના વેપારનો અંદાજ છે. મૂલ્યની દૃષ્ટિએ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 15થી 20 ટકાનો વધારો નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પરંપરાગત બજારોમાં પણ ગ્રાહકોની ભારે ભીડ
CAITના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, આ વખતે ખરીદીનો ઉત્સાહ માત્ર મોટા શોપિંગ મોલ કે આધુનિક રિટેલ સ્ટોર્સ પૂરતો મર્યાદિત રહ્યો નથી. દેશભરના પરંપરાગત બજારો, જ્વેલરી માર્કેટ, વાસણ બજાર, ઓટોમોબાઇલ શોરૂમ, ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ અને સ્થાનિક દુકાનોમાં પણ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.
તેમના જણાવ્યા મુજબ, આ વખતે તહેવારને કારણે નાના-મોટા વેપારીઓમાં પણ સારી વેપારી પ્રવૃત્તિ જોવા મળી છે.
GSTમાં ઘટાડો અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહનનો ફાયદો
CAITના રાષ્ટ્રીય મંત્રી શંકર ઠક્કરે જણાવ્યું હતું કે, આ વર્ષે તહેવારોના વેપારમાં આવેલી તેજી પાછળ GSTના દરોમાં કરવામાં આવેલા મહત્વપૂર્ણ ઘટાડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વદેશી અપનાવો’ના આહ્વાનની ભૂમિકા રહી છે.
તેમના મતે, ગ્રાહકોમાં ભારતીય ઉત્પાદનોને પ્રાથમિકતા આપવાની વૃત્તિ વધી રહી છે. તેના કારણે દેશના સ્થાનિક ઉત્પાદકો, નાના વેપારીઓ, કારીગરો, શિલ્પકારો અને MSME ક્ષેત્રને લાભ મળી રહ્યો છે.
જ્વેલરી ઉદ્યોગ માટે ધનતેરસની સારી શરૂઆત
ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના પ્રમુખ રાજેશ રોકડેએ જણાવ્યું હતું કે, તેમના પ્રાથમિક અંદાજ મુજબ ધનતેરસના દિવસે સમગ્ર ભારતમાં આશરે ₹60,000 કરોડનો સોનાનો વેપાર થયો છે. ગયા વર્ષની સરખામણીએ મૂલ્યની દૃષ્ટિએ તેમાં 15થી 20 ટકાનો વધારો થવાની શક્યતા છે. તેમના જણાવ્યા મુજબ, જ્વેલરી ઉદ્યોગ માટે આ એક સારી શરૂઆત છે.
આ વખતે ધનતેરસના દિવસે સવારે 8 વાગ્યાથી જ દેશભરમાં જ્વેલર્સની દુકાનો ખુલી ગઈ હતી અને ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. ધનતેરસ અને દિવાળી મહિનાની શરૂઆતમાં આવતાં બજારને તેનો પણ લાભ મળ્યો હોવાનું વેપારીઓનું માનવું છે. મોટાભાગના કર્મચારીઓને પગાર અને બોનસ મળી ચૂક્યાં હોવાથી બજારમાં રોકડ પ્રવાહ પણ સારો રહ્યો હતો.
હળવા વજનનાં ઘરેણાં અને ચાંદીના સિક્કાની વધુ ખરીદી
ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ પંકજ અરોરાના જણાવ્યા મુજબ, સોના-ચાંદીના ભાવમાં ઘટાડા બાદ છેલ્લા કેટલાક દિવસોથી દેશભરના જ્વેલરી બજારોમાં ગ્રાહકોની ભીડ વધી છે.
આ વખતે ખાસ કરીને હળવા વજનનાં સોનાનાં ઘરેણાં, પરંપરાગત આભૂષણો અને ચાંદીના સિક્કાની ખરીદી વધુ જોવા મળી હતી. ફેડરેશનના અંદાજ મુજબ, ધનતેરસ પર સોના-ચાંદીનો કુલ વેપાર આશરે ₹66,000 કરોડ સુધી પહોંચી શકે છે.
આમ, ધનતેરસના પર્વે દેશભરના બજારોમાં જોવા મળેલા ખરીદીના ઉત્સાહથી વેપારીઓમાં ખુશીનો માહોલ છે. સોના-ચાંદીથી લઈને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ સુધીની ખરીદીએ તહેવારોની સિઝનમાં દેશના વેપાર અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદના નરોડામાં જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો લોહિયાળ બન્યો, પત્નીએ ચપ્પુના ઘા ઝીંકી પતિની કરી હત્યા












