ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

નર્મદા ડેમની સપાટી 135.50 મીટરે પહોંચી, ભરૂચ-નર્મદા-વડોદરાના ગામોમાં એલર્ટ

નર્મદા, 4 સપ્ટેમ્બર 2025: નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે, જે હાલમાં 135.50 મીટરે પહોંચી ગઈ છે. આ સપાટી ડેમની પૂર્ણ જળસપાટી 138.68 મીટરથી માત્ર 3.18 મીટર દૂર છે. ઉપરવાસમાંથી, ખાસ કરીને મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ 20 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે સરદાર સરોવર ડેમના 15 રેડિયલ ગેટ 3.35 મીટરની ઊંચાઈએ ખોલવામાં આવ્યા છે. આ ગેટ દ્વારા નર્મદા નદીમાં 3 લાખ 35 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના નદીકાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પાણીના વહેણને કારણે નર્મદા નદીનું જળસ્તર ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસે 24 ફૂટના ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે. ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાંથી 280 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, અને તેમને પાણીનું સ્તર 22 ફૂટથી નીચે જાય ત્યાં સુધી ઘરે પરત નહીં ફરવા દેવાય, એમ ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું. નર્મદા જિલ્લામાં નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના 28 ગામોના રહેવાસીઓને નદીકાંઠેથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. વડોદરા જિલ્લાના ડભોઈ, કરજણ અને શિનોર તાલુકાના 25 ગામોમાં પણ સાવચેતીના પગલાં લેવાયા છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL)ના અધિકારીઓના જણાવ્યા મુજબ, ડેમની જળસપાટીને સંતુલિત રીતે પૂર્ણ સ્તરે લઈ જવા માટે ગેટ ખોલવામાં આવ્યા છે. રિવરબેડ પાવર હાઉસ (RBPH) દ્વારા પણ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર જનરેશન માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીના કાંઠે આવેલા ગામોમાં પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્રે નાગરિકોને નદીકાંઠેથી દૂર રહેવા અને સલામત સ્થળે જવા અપીલ કરી છે. ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં પોલીસ અને ફ્લડ કંટ્રોલ ટીમો સતત દેખરેખ રાખી રહી છે.

આ સ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્રે રેસ્ક્યૂ ઓપરેશન માટે તૈયારીઓ કરી લીધી છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરે અને કોઈપણ જોખમી પરિસ્થિતિથી બચવા સાવચેતી રાખે.

આ પણ વાંચો: સાબરકાંઠામાં ડાર્ક ફિલ્મ ડ્રાઈવના પ્રથમ દિવસે પોલીસ પર હુમલો, યુવકની ધરપકડ જૂઓ વીડિયો

Back to top button