ટ્રેન્ડિંગનેશનલ

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ગેસ ટેન્કર પલટતા હાહાકાર: 24 કલાકથી ટ્રાફિક જામ, 139 બસો રદ અને મુસાફરો બેહાલ

મહારાષ્ટ્રઃ 4 ફેબ્રુઆરી, 2026: મુંબઈ અને પુણેને જોડતી લાઈફલાઈન સમાન ‘મુંબઈ-પુણે એક્સપ્રેસવે’ પર મંગળવાર સાંજથી શરૂ થયેલી મુસીબતે હજારો લોકોની ઊંઘ ઉડાવી દીધી છે. ખંડાલા ઘાટ પાસે એક ગેસ ટેન્કર પલટી જતાં એક્સપ્રેસવે સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. આ અકસ્માતની અસર એટલી ગંભીર હતી કે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) ને તેની 139 બસ સેવાઓ રદ કરવી પડી હતી.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

આ અકસ્માત મંગળવારે સાંજે 5 વાગ્યાની આસપાસ રાયગઢ જિલ્લાના અડોશી ટનલ પાસે થયો હતો. અત્યંત જ્વલનશીલ ‘પ્રોપલીન’ ગેસ ભરેલું ટેન્કર ઢોળાવ પર સંતુલન ગુમાવવાને કારણે પલટી ગયું હતું. અકસ્માત બાદ તરત જ ગેસ ગળતર શરૂ થતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સુરક્ષાના કારણોસર પોલીસે હાઈવેની બંને બાજુનો ટ્રાફિક તાત્કાલિક અટકાવી દીધો હતો.

મુસાફરોની હાલાકી: 10ની પાણીની બોટલ 30માં વેચાઈ

જામમાં ફસાયેલા મુસાફરો માટે આ રાત કોઈ દુઃસ્વપ્નથી ઓછી નહોતી. વેન્ડર્સે મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવી 10 રૂપિયાની પાણીની બોટલ 30 રૂપિયામાં વેચી હતી. મહિલાઓ અને વૃદ્ધોને ટોયલેટની સુવિધા ન મળવાને કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી. અંધેરીથી પુણે જનારા મુસાફરોને 9 કલાકથી વધુ સમય ટ્રાફિકમાં વિતાવવો પડ્યો હતો.

139 બસો રદ, સેંકડો જામમાં ફસાઈ

પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર, કુલ 139 બસ સેવાઓ રદ કરવામાં આવી છે, જેમાં 73 ઈ-શિવનેરી અને 66 રેગ્યુલર બસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સોલાપુર, સાંગલી, સતારા અને પુણે ડેપોની ૧૬૩ બસો હજુ પણ જામમાં ફસાયેલી છે.

આદિત્ય ઠાકરેના સરકાર પર પ્રહાર

આ ગંભીર પરિસ્થિતિ હવે રાજકીય રંગ પકડી રહી છે. શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ સોશિયલ મીડિયા પર સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે: “20 કલાકથી લોકો ફસાયેલા છે અને સરકાર તેમની મદદ માટે નથી પહોંચી તે શરમજનક છે. પ્રશાસને લોકોને ખાવા-પીવાની અને ટોયલેટની સુવિધા આપવી જોઈતી હતી અને તેનો ખર્ચ ટોલ ઓપરેટરો પાસેથી વસૂલવો જોઈએ.”

વર્તમાન સ્થિતિ

હાઈવે પોલીસ અને રાહત એજન્સીઓ યુદ્ધના ધોરણે ગેસ ગળતરને કાબૂમાં લેવા અને ટેન્કર હટાવવા માટે કામ કરી રહી છે. પ્રશાસને લોકોને સલાહ આપી છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી એક્સપ્રેસવે પર મુસાફરી કરવાનું ટાળે.

 

 

 

 

 

Back to top button