ગુજરાતટોપ ન્યૂઝ

NEET-UG પરીક્ષા માટે બહુસ્તરીય સુરક્ષા કવચ તૈનાત, રાજ્ય નોડલ અધિકારી તરીકે મકરંદ ચૌહાણની નિયુક્તી

Neet UG Re Exam 2026 : NEET-UGની પુન:પરીક્ષા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે NEET-UGની સુચારુ અને સુરક્ષિત કામગીરી માટે પરીક્ષા પૂર્વ ગુજરાત પોલીસનું અભેદ્ય સુરક્ષા કવચ તૈનાત કરવામાં આવ્યું છે. આ અંતર્ગત NEET સંબંધિત કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટે ડીજીપી જી.એસ મલિક દ્વારા આઈજીપી કાયદો અને વ્યવસ્થા મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે 21 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ની તૈયારીઓની સમીક્ષા કરવા આજે રાજ્યવ્યાપી વિડિયો કોન્ફરન્સ યોજી હતી.

 

આ કોન્ફરન્સમાં તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજીપી અને જિલ્લા પોલીસ વડાઓની ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યભરમાં NEET પરીક્ષાનું સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સુચારુ આયોજન સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા ફોટોકોપી અને ઝેરોક્સ કેન્દ્રો પર કડક નજર રાખવા તેમજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની તમામ માર્ગદર્શિકાઓનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.

મહિલા ઉમેદવારો સાથે ગૌરવપૂર્ણ અને સંવેદનશીલ વર્તન રાખવા સૂચન

 

પોલીસ એકમોને ઉમેદવારોની સઘન પરંતુ સંવેદનશીલ ચકાસણી (ફ્રિસ્કિંગ) કરવા, ખાસ કરીને મહિલા ઉમેદવારો સાથે ગૌરવપૂર્ણ અને સંવેદનશીલ વર્તન રાખવા તેમજ માતા-પિતા અને વાલીઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર જાળવવા સૂચના અપાય હતી. તેમજ પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ તથા અન્ય પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણોના સુરક્ષિત જમા કરાવવાની અલગ વ્યવસ્થા કરવા પણ આદેશ અપાયા હતા.

પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા સોશિયલ મીડિયા મોનિટરિંગ વધુ સક્રિય

 

પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તમામ યુનિટ વડાઓને 20 જૂનના રોજ NTAના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત રીતે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ નિરીક્ષણ કરવાની સૂચના અપાઈ હતી. રાજ્યભરમાં પરીક્ષા સામગ્રીની ગોપનીય હેરફેરને ધ્યાનમાં રાખીને 19થી 21 જૂન દરમિયાન સઘન રાત્રિ પેટ્રોલિંગ પણ હાથ ધરાશે. સાથે જ, અફવાઓ, ભ્રામક માહિતી અને પરીક્ષા પ્રક્રિયામાં વિક્ષેપ પાડવાના પ્રયાસોને રોકવા માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ વધુ સક્રિય કરાયું છે.

 

21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ ઉજવવામાં આવતો હોવાથી, ડીજીપીએ તમામ પોલીસ એકમોને યોગ દિવસના કાર્યક્રમો અને NEET પરીક્ષાની ફરજો માટે અલગ-અલગ માનવબળ ફાળવવા સૂચના આપી હતી, જેથી પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.

આ પણ વાંચો : ‘ઈન્સ્ટાગ્રામ પર અમે સૌથી વધારે ફેમસ’: G7માં પીએમ મોદી અને મેલોનીની ફરી એક વાર મુલાકાત

Back to top button