સાંસદ મનસુખ વસાવા પોતાની જ પાર્ટી પર લાલઘૂમ: ‘ચૈતર વસાવા સામે નહીં બોલીએ તો ખતમ થઈ જઈશું’

ભરૂચ, તા. 25 ઓગસ્ટ, 2025: ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાની જ પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, જો ચૈતર વસાવા અને તેના જેવા તત્વો સામે અવાજ ઉઠાવવામાં નહીં આવે તો ભાજપ ખતમ થઈ જશે. તેમણે ભરૂચ અને પ્રદેશના નેતાઓને સવાલ કર્યો છે કે, ચૈતર વસાવા મુદ્દે સૌ કેમ મૌન છે.
‘માત્ર મેં એકલાએ જ ઠેકો નથી લીધો’
એક જાહેર મંચ પરથી બોલતા મનસુખ વસાવાએ કહ્યું કે, ચૈતર વસાવા સામે 19 જેટલા ગુના નોંધાયેલા છે અને તે ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેમણે ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘શું માત્ર મેં એકલાએ જ ચૈતર વસાવા સામે લડવાનો ઠેકો લીધો છે?’ તેમણે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવાને સવાલ કર્યો કે તેઓ કેમ ચૈતર વસાવા સામે બોલતા નથી.
ઈનરેકા સંસ્થા, ડેડીયાપાડા ખાતે જિલ્લા અને તાલુકાના જનપ્રતિનિધિશ્રીઓ, સરપંચશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ સાથેની બેઠકમાં પક્ષના સાથીઓની સાથે ઉપસ્થિત રહી સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું.
આ ચોમાસા સત્રમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહજી એ… pic.twitter.com/Qx1b10UHy8
— Mansukh Vasava MP (@MansukhbhaiMp) August 24, 2025
‘આદિવાસી સંસ્કૃતિ ખતમ કરવાનું ષડયંત્ર’
મનસુખ વસાવાએ આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાના ષડયંત્રની વાત પણ કરી. તેમણે કહ્યું કે, આવા તત્વો સામે નહીં બોલીએ તો આપણે ખતમ થઈ જઈશું. તેમણે પોતાના નેતાઓને સમર્થન માટે અપીલ કરતા કહ્યું કે, ‘હું ચૈતર અને તેના ગુંડાઓ સામે એકલો લડી રહ્યો છું, મને પણ સમર્થન આપો.’ તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, ‘રાજસ્થાનમાં જુઓ, તેઓ સાંસદ અને બે-ત્રણ જિલ્લા પંચાયત કબજે કરી ચૂક્યા છે.’
‘તેની ટીમ અમને બદનામ કરી રહી છે’
સાંસદ વસાવાએ કહ્યું કે, ચૈતર વસાવા ભલે જેલમાં છે, પરંતુ તેની ટીમ ભાજપ અને તેમને બદનામ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે જો આવા તત્વો સામે મૌન રહીશું તો ‘પતી જઈશું’. તેમણે દેડિયાપાડાની આગામી વિધાનસભા ચૂંટણી અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, જે કોઈ પણ ચૂંટણી લડવા માંગે છે તેણે ચૈતર સામે મેદાનમાં ઉતરવું પડશે, કારણ કે આપણે જોખમ લઈને ફરીએ છીએ અને પક્ષ માટે બોલી રહ્યા છીએ.
આ પણ વાંચોઃ પાટીદાર આંદોલન બાદ સમાજને શું મળ્યું? 10 વર્ષ પૂરા થતા હાર્દિક પટેલે ગણાવ્યા લાભ












