ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં મેઘરાજાનો કહેર: વલસાડ, ભાવનગર અને અમરેલીમાં જળબંબોળ, જનજીવન અસ્તવ્યસ્ત

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદે આભ ફાટતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ, ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં વરસાદે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી દીધું છે અને વહીવટી તંત્રની તૈયારીઓના ધજાગરા ઉડી ગયા છે.

વાપીમાં ધોધમાર વરસાદે પાણીમાં ડૂબ્યું શહેર

વલસાડ જિલ્લાના વાપીમાં મોડી રાત્રે તૂટી પડેલા ધોધમાર વરસાદે ચલા રોડ, કસ્ટમ રોડ અને સ્ટેશન રોડને પાણીમાં ગરકાવ કરી દીધા છે. બંને મુખ્ય અંડરપાસ પાણીમાં ડૂબી જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. વરસાદી પાણી લોકોના ઘરો અને દુકાનોમાં ઘૂસી જતાં મોટું આર્થિક નુકસાન થયું છે.

ઘોઘા પંથકમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ

ભાવનગર જિલ્લામાં પણ સ્થિતિ ગંભીર છે. ઘોઘા પંથકમાં માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. ભાવનગર-રાજકોટ હાઇવે અને નીલમબાગ-ડેરી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં અનેક વાહનો ફસાઈ પડ્યા છે અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.

વડોદરામાં માત્ર 1.5 ઇંચ વરસાદમાં જ પાલિકાની વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. પરશુરામ ભઠ્ઠા વિસ્તાર અને રેલવે અંડરપાસ પાણીમાં ડૂબી ગયા છે.

અમરેલીમાં બારે મેઘ ખાંગા, ઘર ધરાશાયી

અમરેલી જિલ્લામાં ભારે વરસાદે હાઇવે પણ બંધ કરી દીધા છે. લાઠી-અમરેલી હાઇવે ટોડા ગામ પાસે પાણીથી બંધ થઈ ગયો છે. લાઠીના ચાવંડ ગામે પૂરના પાણી ઘૂસી જતાં એક કાચું મકાન ધરાશાયી થયું, જેમાં એક બાળક ઇજાગ્રસ્ત થયો છે. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

દેવીપૂજક વાસમાં પૂરની સ્થિતિ સર્જાતા મામલતદાર અને પોલીસની ટીમે 50 જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને સરકારી શાળામાં આશરો આપ્યો છે. લીલીયાના હરિપર પાસે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં મહુવા-સુરત રૂટની ટ્રેનને સાવરકુંડલા ખાતે રોકવી પડી છે, જેનાથી રેલવે સેવાઓ પ્રભાવિત થઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાનો કરાળ: અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર! આગામી 3 કલાક કેવું રહેશે હવામાન

Back to top button