ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મેઘરાજાનો ધમાકો! ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા પૂરા જોરમાં વરસવા તૈયાર છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ રાજ્યમાં વરસાદી ટ્રફ સક્રિય થવાથી ચોમાસાનો નવો અને તેજીલો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. આગામી કેટલાક દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ વરસી શકે છે.

ક્યાં-ક્યાં પડશે વરસાદ?

  • દક્ષિણ ગુજરાત: સૌથી વધુ અસર, ભરૂચ, સુરત, નર્મદા અને તાપી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાંની આગાહી.
  • સૌરાષ્ટ્ર: ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને રાજકોટમાં સારો વરસાદ પડવાની શક્યતા.
  • ઉત્તર ગુજરાત: મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાઓમાં સારા વરસાદની આશા.
  • મધ્ય ગુજરાત: અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જ રાજ્યના 112 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

  • સુરતના કામરેજમાં 2 ઈંચ
  • કચ્છના રાપરમાં 2 ઈંચ
  • સુરતના માંગરોળ અને બારડોલી, ભાવનગરના વલ્લભીપુર અને ધંધુકામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ખેડૂતો માટે સારા સમાચાર

આ વરસાદી રાઉન્ડ ખાસ કરીને ખેડૂતો માટે રાહત લાવશે. ચોમાસાના આ નવા તબક્કાથી પાકની સારી વૃદ્ધિની આશા વધી છે. તેમ છતાં, ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને કેટલાક સ્થળોએ પૂરની સ્થિતિ ઉદ્ભવવાની પણ શક્યતા છે, તેથી વહીવટી તંત્ર સતર્ક રહ્યું છે.

હવામાન વિભાગની સલાહ: લોકોને વરસાદ દરમિયાન સાવધાની રાખવા, ખાસ કરીને નદી-નાળા કિનારે ન જવા અને વાહન વ્યવહારમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: બલૂચિસ્તાનમાં ભયાનક હુમલો: BLAનો દાવો – 45થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા

Back to top button