યુદ્ધની અસર ભારત પહોંચી: બેંગલુરુમાં આવતીકાલથી હોટલ-રેસ્ટોરન્ટ સેવાઓ બંધ, ગેસની તીવ્ર અછત અને ભાવવધારાએ વધારી મુશ્કેલી
નવી દિલ્હીઃ 9 માર્ચ, 2026: ઈરાન સહિત મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતના મેટ્રો શહેરોમાં જોવા મળી રહી છે. બેંગલુરુ હોટલ એસોસિએશને સોમવારે એક મોટો નિર્ણય લેતા જાહેરાત કરી છે કે મંગળવાર સવારથી શહેરની હોટલોમાં રેસ્ટોરન્ટ સેવાઓ બંધ રહેશે. આ નિર્ણય પાછળ કોમર્શિયલ કુકિંગ ગેસની ભારે અછત મુખ્ય કારણ છે.
ગેસનો પુરવઠો ખોરવાયો અને ઉત્પાદન ઘટ્યું
- પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ગેસની સપ્લાય ચેઈન લગભગ ઠપ થઈ ગઈ છે.
- ઈરાક, કુવૈત અને યુએઈ (UAE) એ યુદ્ધની સ્થિતિને જોતા તેલનું ઉત્પાદન ઘટાડી દીધું છે.
- ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના વિવાદમાં તેલ અને ગેસના ઠેકાણાઓ પર હુમલા થતા સ્થિતિ વધુ વણસી છે.
સોમવારે કાચા તેલની કિંમતમાં 26 ટકાનો તોતિંગ વધારો થયો છે, જે પ્રતિ બેરલ ₹10,549 ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયું છે.
મહારાષ્ટ્રના સંભાજીનગરમાં કટોકટી જેવી સ્થિતિ
બેંગલુરુ બાદ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં પણ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારીએ પેટ્રોલિયમ કંપનીઓ (BPCL, IOCL, HPCL) ને પત્ર લખી ચેતવણી આપી છે કે સપ્લાય ચેઈન તૂટવાનું જોખમ છે. 5 માર્ચ ના રોજ જારી કરાયેલા આદેશ મુજબ, પેટ્રોલ પંપોને સરકારી અને ઇમરજન્સી સેવાઓમાં જોડાયેલા વાહનો માટે પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક અનામત રાખવા સૂચના અપાઈ છે. તાલુકા અને જિલ્લા સ્તરે અનિવાર્ય સેવાઓ ખોરવાય નહીં તે માટે વહીવટીતંત્ર અત્યારથી જ તકેદારી રાખી રહ્યું છે.












