મેસી સામે એમબાપ્પે! વર્લ્ડ કપમાં ગોલની રેસ બની રોમાંચક

Mbappe vs Messi!: ફીફા વર્લ્ડ કપ 2026માં 12મો દિવસ ફૂટબોલ ચાહકો માટે સુપરહિટ સાબિત થયો હતો. દુનિયાના ત્રણ સૌથી મોટા સ્ટાર્સ લિયોનેલ મેસી, કિલિયન એમબાપ્પે અને એર્લિંગ હાલાંડએ પોતાના શાનદાર પ્રદર્શનથી મેચ રોમાંચક બનાવી દીધી. ત્રણેય ખેલાડીઓએ બે-બે ગોલ ફટકારી પોતાની ટીમોને જીત અપાવી અને નોકઆઉટ રાઉન્ડ તરફ મજબૂત પગલું ભર્યું..
ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ ઓસ્ટ્રિયાને 2-0થી હરાવી રાઉન્ડ ઓફ-32માં જગ્યા પાક્કી કરી, જ્યારે ફ્રાન્સે ઈરાક સામે 3-0ની એકતરફી જીત મેળવી. બીજી તરફ હાલાંડના ડબલ ગોલની મદદથી નોર્વેએ સેનેગલને 3-2થી હરાવી નોકઆઉટમાં એન્ટ્રી મારી.
મેસી ફરી બન્યા હીરો
ડલાસ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીએ ફરી એકવાર પોતાની ટીમ માટે મેચ વિનિંગ પ્રદર્શન કર્યું. મેચની 38મી મિનિટે મેસીએ શાનદાર ગોલ ફટકારી આર્જેન્ટિનાને લીડ અપાવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મેચ દરમિયાન મેસી પેનલ્ટી ચૂક્યા હતા, છતાં તેમણે હાર માન્યા વગર ઈન્જરી ટાઈમમાં બીજો ગોલ ફટકારી જીત પર મહોર મારી દીધી.
આ બે ગોલ સાથે મેસીએ વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ 18 ગોલ કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. તેમણે જર્મનીના દિગ્ગજ મિરોસ્લાવ ક્લોઝેનો 16 ગોલનો રેકોર્ડ તોડી નાખ્યો.
એમબાપ્પેએ 100મી મેચ યાદગાર બનાવી
ફિલાડેલ્ફિયામાં રમાયેલા મુકાબલામાં ફ્રાન્સે ઈરાકને 3-0થી હરાવ્યું. કેપ્ટન કિલિયન એમબાપ્પેએ પોતાના 100મા આંતરરાષ્ટ્રીય મેચમાં બે ગોલ ફટકારી ઇતિહાસ રચ્યો.
14મી મિનિટે એમબાપ્પેએ જોરદાર શોટ સાથે પ્રથમ ગોલ કર્યો હતો. ત્યારબાદ ઈરાકના ડિફેન્ડર અને ગોલકીપરની ભૂલનો ફાયદો ઉઠાવી તેમણે બીજો ગોલ પણ કર્યો.
એમબાપ્પે હવે વર્લ્ડ કપમાં કુલ 16 ગોલ કરી મિરોસ્લાવ ક્લોઝેના રેકોર્ડની બરાબરીએ પહોંચી ગયા છે.
હાલાંડનો ડબલ બ્લાસ્ટ, નોર્વે પણ આગળ
ગ્રુપ-આઈમાં નોર્વેએ સેનેગલ સામે 3-2ની રોમાંચક જીત મેળવી. એર્લિંગ હાલાંડએ 48મી અને 58મી મિનિટે ગોલ ફટકારી પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.
આ જીત સાથે નોર્વેએ સતત બીજી જીત મેળવી નોકઆઉટમાં સ્થાન સુનિશ્ચિત કર્યું છે. હાલ ગ્રુપમાં નોર્વે ગોલ ડિફરન્સના આધારે ફ્રાન્સથી આગળ છે.
ગોલ્ડન બૂટ માટે જોરદાર ટક્કર
ફીફા વર્લ્ડ કપ 2026માં ગોલ્ડન બૂટ માટેની રેસ હવે વધુ રસપ્રદ બની ગઈ છે. મેસી હાલમાં 5 ગોલ સાથે ટોચ પર છે, જ્યારે એમબાપ્પે અને હાલાંડ ચાર-ચાર ગોલ સાથે તેમની પાછળ છે.
ત્રણેય સ્ટાર ખેલાડીઓ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે અને હવે નોકઆઉટ રાઉન્ડમાં પણ ચાહકોને વધુ ધમાકેદાર મુકાબલાઓ જોવા મળી શકે છે.
આજે રમાનાર મેચો પર સૌની નજર
ફીફા વર્લ્ડ કપના 13મા દિવસે પણ અનેક હાઈવોલ્ટેજ મુકાબલા રમાનાર છે. પોર્ટુગલ સામે ઉઝબેકિસ્તાનની મેચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ જીત સાથે આગળ વધવા ઉતરશે.
જ્યારે ઇંગ્લેન્ડ અને ઘાના વચ્ચેની મેચ પણ ચાહકો માટે ખાસ આકર્ષણ રહેશે.
આજનો શેડ્યૂલ (ભારતીય સમય મુજબ)
- રાતે 10:30 વાગ્યે – પોર્ટુગલ vs ઉઝબેકિસ્તાન
- રાતે 1:30 વાગ્યે – ઇંગ્લેન્ડ vs ઘાના
- સવારે 4:30 વાગ્યે – પનામા vs ક્રોએશિયા
- સવારે 7:30 વાગ્યે – કોલંબિયા vs ડીઆર કોંગો
આ પણ વાંચો : આગ બની મોતનો કાળો કહેર, દેશને કંપાવી ગયેલી ઘટનાઓ












