ગુજરાત

નડિયાદની પીપલગ ચોકડી પાસે રિયા પાર્ટી પ્લોટમાં ભીષણ આગ, પૂંઠાના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી

ખેડા 27 ફેબ્રુઆરી 2026: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં પીપલગ ચોકડી પાસે આવેલા સુપ્રસિદ્ધ રિયા પાર્ટી પ્લોટમાં આજે આગની એક મોટી ઘટના બની હતી. રિયા પાર્ટી પ્લોટના હોલમાં સંગ્રહિત કરવામાં આવેલા પૂંઠાના મોટા જથ્થામાં અચાનક આગ ફાટી નીકળતા આખાય હોલને આગે પોતાની લપેટમાં લઈ લીધો હતો. જોતજોતામાં આગ એટલી વિકરાળ બની હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળતા હતા.

ઘટનાની મળતી વિગતો અનુસાર, રિયા પાર્ટી પ્લોટના હોલમાં કોઈ અગમ્ય કારણોસર પૂંઠાના જથ્થામાં આગ લાગી હતી. હોલની દીવાલો કાચની હોવાને કારણે ગરમીનો સંચય થયો અને આગ ઝડપથી પ્રસરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સદનસીબે આ ભીષણ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે એક મોટી રાહતની વાત છે.

આગની જાણ થતા જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ બે ફાયર ફાઈટરો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર અધિકારીઓ અને જવાનોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જોકે, આ આગમાં પાર્ટી પ્લોટના હોલના ફર્નિચર અને અન્ય સામાનને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે કે અન્ય કોઈ કારણસર, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો: રાજકોટના જે.કે. ચોકમાં જાહેરમાં હંગામો, મહિલાઓના ટોળાએ પુરુષ પર કર્યો હુમલો

Back to top button