ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપની ડીલના મુદ્દે માર્ક ઝકરબર્ગ મુશ્કેલીમાં, જાણો શું થયું?

અમેરિકા, 10 એપ્રિલ 2025 : મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગની મુશ્કેલીઓ ફરી વધવાની છે. કંપની પર 2012 અને 2014માં ખરીદેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની ડિલમાં ગોટાળાનો આરોપ છે. યુએસ ફેડરલ ટ્રેડ કમિશન (FTC) એ એક દાયકા પહેલા થયેલા સોદા સામે એન્ટિટ્રસ્ટ મુકદ્દમો દાખલ કર્યો છે, જેની ટ્રાયલ આગામી સોમવાર, 14 એપ્રિલ, 2025 ના રોજ શરૂ થશે. તેના આરોપમાં, ટ્રેડ કમિશને કહ્યું છે કે મેટા (તે સમયે ફેસબુક) દ્વારા કરવામાં આવેલા આ સોદા ગેરકાયદેસર હતા. આ ડિલ તોડી નાખવી જોઈએ.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
FTC તેને ‘કિલર ટેકઓવર’ કહે છે
FTC એ તેના આરોપમાં જણાવ્યું હતું કે મેટા દ્વારા ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની ખરીદી એક “કૌભાંડ સંપાદન” હતી. આ સોદાને કારણે, આ કંપનીઓને કોમ્પિટિટર તરીકે ઊભા રહેવાની તક મળી નહીં. એક દાયકા પહેલા થયેલી આ ભૂલને સુધારવાની જરૂર છે. પોતાના આરોપોના સમર્થનમાં, ફેડરલ કમિશને દલીલ કરી હતી કે મેટાની એપ્સની ક્વોલિટી દિવસેને દિવસે બગડી રહી છે. તેમાં જાહેરાતો વધી રહી છે અને યુઝર્સની પ્રાઈવસી ખતમ થઈ રહી છે.
ફેડરલ કમિશનના આ આરોપ પહેલા, વોશિંગ્ટન સ્થિત ડિસ્ટ્રિક્ટ જજ જેમ્સ બોસબર્ગે પણ મેટાના વધતા પ્રભાવને ખતરો ગણાવ્યો હતો. જો મેટાની ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સાથેની ડિલ તૂટી જાય છે, તો વિશ્વના લોકપ્રિય ડિજિટલ પ્રોડક્ટ્સ પર ખરાબ અસર પડશે. આવી સ્થિતિમાં, સરકાર આ રીતની ડિલ્સનું મુલ્યાંકન કેવી રીતે કરે છે અને તેને અપ્રૂવ કેવીરીતે કરે છે તેના પર સવાલો ઉભા થાય છે.
માર્કેટ વેલ્યૂ પર મોટી અસર
હાલમાં, મેટાનું માર્કેટ કેપ $1.3 ટ્રિલિયન એટલે કે આશરે રૂ. 1,11,85,447 કરોડ છે. કંપનીની આવકનો મુખ્ય સ્ત્રોત ઇન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવતી જાહેરાતો છે. જો ડિલ તૂટી જાય છે, તો મેટાની માર્કેટ મૂલ્યને કરોડો અને અબજો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. મેટાએ આ બાબતે પોતાનું નિવેદન જારી કર્યું છે. કંપનીએ કહ્યું કે તેને તેની પાસે રહેલા પુરાવાઓ પર વિશ્વાસ છે અને તે સમજાવશે કે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની અધિગ્રહણ સ્પર્ધા અને ગ્રાહકો માટે સારું છે.
આ પણ વાંચો : ચારધામ યાત્રા માટે 20 દિવસમાં 15.33 લાખ લોકોનું રજિસ્ટ્રેશન, જારી થઈ એડવાઈઝરી











