ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

NESTS સંસ્થા દ્વારા આદિવાસી વિસ્તારોના એકલવ્ય મોડેલ શાળાઓમાં અનેક ગંભીર સમસ્યાઓ, જાણો ચૈતર વસાવા શું કહે છે?

ગુજરાત 17 જુલાઈ 2024 : NESTS (National Education Society for Tribal Students) ભારત સરકારની સંસ્થા દ્વારા ભરતી કરેલ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને થઈ રહેલી અનેક તકલીફો બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો તેમણે વિદ્યાર્થીઓને પડી રહેલી સમસ્યાઓ અંગે જાણકારી આપી છે અને નિવારણ માટે માંગણી કરી છે અન્યથા આવનારા દિવસોમાં તમામ વાલીઓને સાથે રાખીને રાજ્ય વ્યાપી આંદોલન કરવાની ચીમકી આપી છે તો ધારાસભ્ય ચેતર વસાવાએ શું માંગણી કરી છે અને ધારાસભ્યના મતે એવી કયા પ્રકારની સમસ્યા રાજ્યના આદિવાસી બાળકો ભોગવી રહ્યા છે વિગતવાર!!!

દેશમાં 4062 જેટલા કર્મચારીઓની ભરતી કરાઇ

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, આજે અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મહત્વપૂર્ણ મુદ્દા પર એક પત્ર લખ્યો હતો. અમે જણાવ્યું હતું કે NESTS (National Education Society for Tribal Students) ભારત સરકારની સંસ્થા દ્વારા ભરતી કરેલ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં અને વિદ્યાર્થીઓને ભણવામાં અનેક તકલીફો થઈ રહી છે. સમગ્ર દેશમાં પ્રિન્સિપલ, એકાઉન્ટન્ટ, જીએસઆર લેબ આસિસ્ટન્ટ મળીને 4062 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે, તેમાંથી ગુજરાતમાં 500 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવેલ છે.

આદિવાસી બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે સારી બાબત

વહીવટી ખામીના લીધે અવિચારી પગલાં ભરવાથી ત્યાં ભણતા બાળકોનું ભણતર વારંવાર ખોરવાઈ રહ્યું છે. દાખલા તરીકે વર્તમાન સરકાર દ્વારા CBSE અંગ્રેજી માધ્યમ માટે શિક્ષકોની જે ભરતી કરવામાં આવી છે તે પણ મહદંશે ખામીયુક્ત અવિચારી પગલું છે. નવી શિક્ષણ નીતિ મુજબ બાળકોને માતૃભાષામાં શિક્ષણની હિમાયતી કરવામાં આવી છે, તેમ છતાં એકલવ્ય મોડેલ સ્કૂલની શાળાઓમાં CBSE અંગ્રેજી માધ્યમ શરૂ કરી દીધું છે. આદિવાસી બાળકો અંગ્રેજી માધ્યમમાં પણ તે ખૂબ જ સારી બાબત છે, પરંતુ ગુજરાતી માધ્યમની શાળાઓને અચાનક જ અંગ્રેજી માધ્યમમાં ફેરવી નાખવાથી ઘણી બધી સમસ્યાઓ ઊભી થયેલ છે.

બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે

આ શાળાઓ પછાત આદિવાસી બાળકો માટે છે, પરંતુ તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતી વખતે વાલીઓ કે વિદ્યાર્થીઓના કોઈપણ પ્રકારના અભિપ્રાય લેવામાં આવ્યા નથી. અન્ય રાજ્યોમાંથી આવનાર શિક્ષકો એકલવ્ય શાળામાં ભણતા બાળકોથી, તેમની માતૃભાષાથી, ભૌગોલિક પરિસ્થિતિથી, રહેણી કરણી વગેરેથી પરિચિત નથી. તેઓને ગુજરાતીમાં ભણાવતા કે વાતચીત કરતા પણ આવડતું નથી. જેના કારણે અખતરા કરીને બાળકોને હેરાન કરવામાં આવી રહ્યા હોય તેવું અમને લાગી રહ્યું છે અને બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે

116 જેટલા બાળકોને ફૂડ પોઈઝન થયું

પુનિયાવાડની એકલવ્ય મોડલ સ્કૂલ ખાતે ત્રણ દિવસ અગાઉ 116 જેટલા બાળકોને ફૂડ પોઈઝન થયું હતું અને આજે પણ તેઓ છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. અમે એ શાળાની મુલાકાત લીધી તે દરમિયાન કેટલીક ગંભીર ખામીઓ અમારી નજરે આવી, જેમકે રસોડામાં ફાયર સેફ્ટી નથી, જે વ્યક્તિનું કેટરર્સનું ટેન્ડર મંજૂર થયું છે તે મહેસાણાના છે અને જાણવા મળ્યું છે કે દર 15 દિવસે એક વાર ટેમ્પો આવે છે અને એ જ શાકભાજી બાળકોને જમાડવામાં આવે છે. જેના કારણે શાકભાજી સડી ગઈ હોય છે અને આખરે બાળકો બીમાર પડે છે. આ સ્કૂલમાં 12 જેટલા શિક્ષક, 1 વોર્ડન અને 1 ક્લાર્કની ભરતી થઈ છે અને આ તમામને ગુજરાતી વાંચતા બોલતા પણ આવડતું નથી અને તેઓ ગુજરાતી સમજતા પણ નથી.

સમસ્યાનું નિવારણ નહીં આવે તો રાજ્ય વ્યાપી આંદોલન કરશું

ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં આવેલ તમામ એકલવ્ય મોડેલ શાળાઓમાં આવી ગંભીર સમસ્યાઓ છે. અંબાજી ખાતે આવેલ એકલવ્ય શાળામાં તો બાળકોને ગુણવત્તાહિન ભોજન અને વિવિધ પ્રશ્નોને કારણે ધરણા પર બેસવાની ફરજ પડી હતી. ત્યારે હવે આવનારા સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો દરેક શાળાઓના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને સાથે રાખીને અમને આંદોલન કરવાની ફરજ પડશે. જેથી અમે આપ શ્રી મુખ્યમંત્રીને રજૂઆત કરી રહ્યા છીએ કે વિદ્યાર્થીઓની વિવિધ સમસ્યાઓને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે

આ પણ વાંચો : GMERS મેડિકલ કોલેજમાં વિરોધ બાદ રાજ્ય સરકારે ફી ઘટાડાનો નિર્ણય કર્યો; છતાં NSUI કરે છે વિરોધ

Back to top button