ગુજરાત

અમદાવાદમાં દિવસ દરમિયાન CAની ઓફિસમાં નોકરી અને સાંજે ‘નકલી પોલીસ’ બનતા શખ્સનો પર્દાફાશ

અમદાવાદ 20 ફેબ્રુઆરી 2026: શહેરમાં ખાખી વર્દીનો રૌબ જમાવી નિર્દોષ નાગરિકોને પરેશાન કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ હોવાનો ઢોંગ કરી વાહનચાલકોને અટકાવતા એક નકલી પોલીસકર્મીને અસલી પોલીસે ઝડપી પાડ્યો છે. બોડકદેવ પોલીસ સ્ટેશન દ્વારા ભરત સેનવા નામના શખસની ધરપકડ કરવામાં આવી છે, જે છેલ્લા 13 વર્ષથી એક પ્રતિષ્ઠિત ઓફિસમાં કામ કરતો હોવા છતાં પોલીસ બનવાનો શોખ ધરાવતો હતો.

કઈ રીતે ફૂટ્યો ભાંડો?

ઘટનાની વિગતો મુજબ, એન ડિવિઝન ટ્રાફિક પોલીસના કર્મચારીઓ હેબતપુર ચાર રસ્તા પાસે પોતાની નિયમિત ફરજ પર હતા. આ દરમિયાન તેમની નજર એક એવા શખસ પર પડી જેણે પોલીસ જેવું જ ખાખી પેન્ટ અને બૂટ પહેરેલા હતા. તે શખસ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને રોકીને તેમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનના દસ્તાવેજોની માંગણી કરી રહ્યો હતો. તેની શંકાસ્પદ હરકતો અને વર્તનને જોઈ અસલી પોલીસે તેની પાસે જઈ ઓળખપત્ર માંગ્યું હતું. જ્યારે તે કોઈ પણ સત્તાવાર દસ્તાવેજ રજૂ ન કરી શક્યો, ત્યારે તેની નકલી હોવાની પોલ ખુલી ગઈ હતી.

સવારે ઓફિસ અને સાંજે પોલીસનો વેશ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આરોપી ભરત સેનવા મૂળ વિજાપુરનો વતની છે અને છેલ્લા 13 વર્ષથી અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ની ઓફિસમાં નોકરી કરે છે. તે દરરોજ સવારે વડાસનથી અમદાવાદ નોકરીએ આવતો અને ઓફિસનો સમય (10 થી 6) પૂર્ણ કર્યા બાદ પોલીસનો વેશ ધારણ કરી રસ્તા પર ઉભો રહી જતો હતો.

પોલીસની તપાસ અને કાર્યવાહી

એન ડિવિઝન ટ્રાફિક કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બોડકદેવ પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આરોપીએ અત્યાર સુધીમાં કોઈ વાહનચાલક પાસેથી ડરાવી-ધમકાવીને પૈસા પડાવ્યા છે કે કેમ? આ માત્ર સત્તા બતાવવાનો શોખ હતો કે પછી આર્થિક ઉઘરાણીનું કોઈ મોટું કૌભાંડ, તે દિશામાં પણ ઉંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે.

આ પણ વાંચો: લોકસાહિત્યકાર દેવાયત ખવડને મોટી રાહત: ચાંગોદર છેતરપિંડી કેસમાં સાણંદ કોર્ટે કર્યા નિર્દોષ જાહેર

Back to top button