ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરામાં ખૂની ખેલ, પત્ની સામે જ પતિને ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

Vadodara Murder News: વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક ચકચારી હત્યાની ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. કલાલી વિસ્તારમાં યોજાયેલા એક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમ બાદ 30 વર્ષીય ગિરીશ ભાલીયા નામના યુવકની જાહેરમાં ચપ્પુના ઘા મારીને નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. સૌથી દુઃખદ બાબત એ છે કે આ સમગ્ર ઘટના ગિરીશની પત્નીની આંખો સામે બની હતી. હુમલાખોરોએ કોઈપણ પ્રકારનો ભય કે સંકોચ રાખ્યા વગર યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે થોડા જ સમયમાં તેનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ વડસર ગામના ભાલિયાવાસ વિસ્તારમાં રહેતા ગિરીશ ભાલીયા પોતાના પરિવાર સાથે કલાલી વિસ્તારમાં સમાજ દ્વારા આયોજિત માતાજીના માંડવાના કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા. રાત્રિના અંતિમ સમયે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગિરીશ પોતાના પરિવારજનો સાથે ઘરે પરત જવાની તૈયારીમાં હતા. તે દરમિયાન પાણી લેવા માટે તેઓ એક સ્ટોલ પાસે ઊભા રહ્યા હતા, જ્યાં પહેલેથી જ ઘાતમાં બેઠેલા બે શખ્સોએ તેમના પર હુમલો કરી દીધો હતો.

છેડતીના વિવાદથી શરૂ થઈ દુશ્મનાવટ

પરિવારજનોના જણાવ્યા મુજબ, આ સમગ્ર ઘટનાની પાછળ લગભગ એક મહિના જૂનો વિવાદ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મૃતકની પત્ની પૂજાબેને પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે એપ્રિલ મહિનામાં દહેગામ ખાતે યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન દર્શન મારવાડી નામના શખ્સે તેમની સાથે અશોભનીય વર્તન કર્યું હતું. તેણે પૂજાબેનનો હાથ પકડી તેમની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ ઘટનાથી પરિવારજનો અને સમાજના આગેવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ સમાજના વડીલો દ્વારા પંચાયત બોલાવવામાં આવી હતી. પંચાયત દરમિયાન દર્શન મારવાડીએ પોતાની ભૂલ સ્વીકારી હોવાનું પણ કહેવાય છે. જોકે, આ ઘટનાને કારણે તેને સમાજમાં અપમાનનો સામનો કરવો પડ્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે આ અપમાનનો ખાર આરોપીઓ મનમાં રાખી બેઠા હતા અને તક મળતાં જ ગિરીશની હત્યાનું કાવતરું રચી દીધું હતું.

કાર્યક્રમ પૂર્ણ થતાં જ કર્યો હુમલો

ગત રાત્રે માતાજીના માંડવાના કાર્યક્રમ બાદ ગિરીશ, તેમની પત્ની પૂજા અને તેમના ભાઈ મેહુલ ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે એક ફોરવ્હીલરમાં દર્શન મારવાડી અને કરણ મારવાડી સ્થળ પર પહોંચ્યા હતા. બંને ગાડીમાંથી ઉતરી ગિરીશ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, શરૂઆતમાં બંનેએ ગિરીશને ગાળો આપી ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વાત વધતાં આરોપીઓએ તેમની સાથે મારામારી શરૂ કરી દીધી હતી. આરોપી દર્શને પહેલા ગિરીશના માથા પર મુક્કા માર્યા અને ચાવી વડે કપાળ પર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ બંનેએ મળીને તેમને જમીન પર પાડી દીધા હતા.

ચપ્પુના ઘા ઝીંકી દીધો મોતને ઘાટ

મારામારી દરમિયાન દર્શન મારવાડીએ પોતાની પાસે રહેલો ચપ્પુ બહાર કાઢ્યો હતો અને ગિરીશ પર આડેધડ હુમલો શરૂ કર્યો હતો. તેણે ગિરીશના પેટના નીચેના ભાગે તેમજ બંને જાંઘના ભાગે અનેક ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો અચાનક અને જીવલેણ હતો કે ગિરીશને બચવાનો કોઈ મોકો જ મળ્યો નહોતો.

ઘટનાસ્થળે જ લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ગિરીશ ગંભીર રીતે ઘાયલ થઈ જમીન પર ઢળી પડ્યા હતા. પત્ની પૂજાબેન અને અન્ય પરિવારજનો બૂમાબૂમ કરતા રહ્યા, પરંતુ હુમલાખોરો કોઈની પરવા કર્યા વગર હુમલો કરતા રહ્યા હતા.

પત્નીની બૂમાબૂમથી આરોપીઓ ભાગી છૂટ્યા

જ્યારે પૂજાબેને મદદ માટે બૂમાબૂમ શરૂ કરી ત્યારે મૃતકના ભાઈ મેહુલ સહિત અન્ય લોકો દોડી આવ્યા હતા. લોકો ભેગા થતા જ બંને હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ પરિવારજનો અને સગાસંબંધીઓએ ગંભીર રીતે ઘાયલ ગિરીશને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

ખાનગી હોસ્પિટલના તબીબોએ સ્થિતિ ગંભીર હોવાનું જણાવી તેમને સયાજી હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે ગિરીશને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

એક નાની દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા

ગિરીશના મૃત્યુથી સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પત્ની પૂજાબેન હોસ્પિટલમાં પતિના મૃતદેહ પાસે બેસીને સતત રડી રહી હતી. તેઓ વારંવાર “મારા ગિરીશને પાછા લાવી આપો” કહીને આક્રંદ કરી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈ હોસ્પિટલમાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

મૃતક પાછળ પત્ની અને એક નાની દીકરી છે. દીકરીએ ખૂબ નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. બીજી તરફ વૃદ્ધ માતા-પિતાએ પોતાના એકના એક પુત્રને ગુમાવતા ભારે આઘાત અનુભવ્યો છે. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો.

પરિવારનો હત્યા પાછળ કાવતરાનો આક્ષેપ

મૃતકના સગાઓએ આક્ષેપ કર્યો છે કે આ હત્યા કોઈ સામાન્ય ઝઘડાનું પરિણામ નથી પરંતુ સંપૂર્ણપણે પૂર્વ આયોજિત કાવતરું છે. પરિવારના જણાવ્યા મુજબ આરોપીઓએ ગિરીશને નિશાન બનાવવા માટે પહેલેથી જ યોજના બનાવી હતી અને યોગ્ય તક મળતા હુમલો કર્યો હતો.

મૃતકના પિતરાઈ ભાઈ મેહુલ ભાલીયાએ જણાવ્યું હતું કે ગિરીશ ખૂબ શાંત સ્વભાવનો અને પરિવારપ્રેમી વ્યક્તિ હતો. તેની કોઈ સાથે ખાસ દુશ્મનાવટ નહોતી. પરંતુ જૂના વિવાદનો બદલો લેવા માટે આરોપીઓએ આ ભયાનક કૃત્ય કર્યું છે. તેમણે પોલીસ સમક્ષ આરોપીઓને ઝડપથી પકડી કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.

પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં જ અટલાદરા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પત્નીની ફરિયાદના આધારે દર્શન મારવાડી અને કરણ મારવાડી સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે અને સંભવિત સ્થળોએ દરોડા શરૂ કર્યા છે. સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદન અને અન્ય પુરાવાના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ ઘટનાએ માત્ર મૃતકના પરિવારને જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનું વાતાવરણ ઉભું કરી દીધું છે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસની અનોખી પહેલ: “જનસંપર્ક કેન્દ્ર” બન્યું ન્યાયનું નવું સરનામું

 

Back to top button