
Mallikarjun Kharge: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર આર્થિક વ્યવસ્થાપનમાં સંપૂર્ણ નિષ્ફળતાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના ભાવ સતત વધી રહ્યા છે અને હવે ખાતરના ભાવ વધવાની પણ તૈયારી છે.
ખડગેએ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “શું મોદીજીએ આ પરિસ્થિતિ અંગે અગાઉથી કોઈ વિચાર કર્યો નહોતો? હાલ દુનિયામાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ વધી રહ્યો છે, અરબ દેશો પર પણ હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. છતાં મોદીજી સતત દેશને કહેતા રહ્યા કે કોઈ સમસ્યા નથી.” તેમણે દાવો કર્યો કે વધતી મોંઘવારી અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવવધારાના કારણે સામાન્ય લોકો અને ખેડૂતો પર આર્થિક બોજ સતત વધી રહ્યો છે.
ડોલર સામે રૂપિયો 100 સુધી પહોંચી શકે
ખડગેએ વધુમાં દાવો કર્યો કે રૂપિયાની કિંમત સતત ઘટી રહી છે અને સ્થિતિ એવી બની રહી છે કે ટૂંક સમયમાં એક ડોલર સામે રૂપિયો 100 સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે, “હકીકતમાં નરેન્દ્ર મોદી આર્થિક મોરચે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા છે.”
ખડગેએ વધુમાં PM મોદીના વિદેશ પ્રવાસોને લઈને પણ સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે મોદી વારંવાર વિદેશ પ્રવાસે જાય છે, પરંતુ દેશની જનતાને એ અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવતી નથી કે આ પ્રવાસો દરમિયાન કેટલા કરારો થયા, કેટલા MoU પર હસ્તાક્ષર થયા અને દેશમાં કેટલું રોકાણ આવ્યું
તેમણે કેન્દ્ર સરકારને પોતાની નીતિઓ અને આર્થિક નિર્ણયો અંગે આત્મમંથન કરવાની સલાહ આપતાં જણાવ્યું કે, “મોદી સરકારે પોતાની નિષ્ફળતાઓ પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને તમામ પક્ષોને સાથે લઈને પરિસ્થિતિનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ.”
बार-बार पेट्रोल-डीजल, LPG के दाम बढ़ रहे हैं और अभी फर्टिलाइजर के दाम भी बढ़ेंगे।
मैं नरेंद्र मोदी से पूछना चाहता हूं- क्या ये आपने पहले नहीं सोचा?
अभी वर्ल्ड वॉर जैसी स्थिति है। अमेरिका-ईरान-इजराइल लड़ रहे हैं। दूसरे अरब देशों पर भी हमले हो रहे हैं, लेकिन नरेंद्र मोदी देश से… pic.twitter.com/QGOXD98rp9
— Congress (@INCIndia) May 19, 2026
તાજેતરમાં 15 મે 2026ના રોજ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3નો વધારો કરવામાં આવ્યો હતો, જે છેલ્લા લગભગ ચાર વર્ષમાં થયેલો લગભગ પહેલો વધારો છે. વધેલા ભાવ બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 97.77 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 90.67 પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $100ને પાર પહોંચતા અને મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈરાન-ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવના કારણે ઇંધણના ભાવ પર સીધી અસર પડી રહી છે.
આ સાથે જ વૈશ્વિક બજારમાં ખાતર (ફર્ટિલાઈઝર)ના ભાવમાં પણ 30થી 40 ટકા સુધીનો વધારો નોંધાયો છે. ખેડૂતો પર વધતા ભાવનો બોજ ઓછો રહે તે માટે કેન્દ્ર સરકારે ખાતર સબસિડીમાં 11 ટકાથી વધુ વધારો કર્યો છે. જોકે, આ નિર્ણયના કારણે સરકાર પર સબસિડીનો કુલ બોજ લગભગ 20 ટકા સુધી વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ, માર્ચ 2026 દરમિયાન ભારતમાં ખાતર ઉત્પાદન છેલ્લા પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું હોવાનું પણ સામે આવ્યું છે.
રૂપિયો વધુ ઘટાડાની શક્યતા
દેશની કરન્સી પર પણ દબાણ વધતું જોવા મળી રહ્યું છે. રૂપિયો સતત ડોલર સામે નબળો પડી રહ્યો છે અને હાલ એક ડોલર સામે રૂપિયો 96 સુધી પહોંચી ગયો છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય તણાવને જોતા તેમાં વધુ ઘટાડાની શક્યતા પણ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
કોંગ્રેસનો આરોપ છે કે કેન્દ્ર સરકારે વૈશ્વિક તણાવ અને તેની સંભવિત આર્થિક અસરો અંગે અગાઉથી યોગ્ય તૈયારી કરી નહોતી. કોંગ્રેસનું કહેવું છે કે વધતી મોંઘવારી, ઇંધણના વધતા ભાવ અને આર્થિક દબાણ એ સરકારની નીતિગત નિષ્ફળતાનું પરિણામ છે. બીજી તરફ BJPaએ વિપક્ષના આક્ષેપોને અગાઉ પણ “ભ્રામક” અને “ખોટી માહિતી પર આધારિત” ગણાવી નકારી કાઢ્યા હતા. ભાજપનો દાવો છે કે વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે પણ સરકાર સામાન્ય જનતાને રાહત આપવા માટે જરૂરી પગલાં લઈ રહી છે.
આ પણ વાંચો: ચિકન નેક કોરિડોર શું છે? તેને કેન્દ્ર સરકારને સોંપવાથી દેશને શું મળશે ફાયદો: જાણો સંપૂર્ણ વિગત












