ઉત્તર ગુજરાતગુજરાત

અંબાજી શક્તિપીઠમાં મોટો ફેરફાર: હાઈકોર્ટે રદ કર્યો દાંતા રાજવી પરિવારનો નવરાત્રિ આઠમની વિશેષ પૂજાનો અધિકાર, સામાન્ય ભક્તોને મળશે સીધા દર્શનની તક

અંબાજી, 25 ડિસેમ્બર 2025: ગુજરાતના પ્રખ્યાત 51 શક્તિપીઠોમાંના એક આરાસુરી અંબાજી માતા મંદિરને લઈને ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે દાંતા રાજ્યના વારસદાર મહારાજા મહેન્દ્રસિંહજી પરમારની અપીલ ફગાવી દીધી છે અને મંદિરને જાહેર (પબ્લિક) ટ્રસ્ટ તરીકે નોંધણીનો નિર્ણય યથાવત રાખ્યો છે. આ સાથે નવરાત્રિના આઠમના દિવસે વિશેષ પૂજા, હવન અને ચામર ફરકાવવાનો દાંતા રાજવી પરિવારનો પરંપરાગત વિશેષાધિકાર પણ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે.

આ ચુકાદાના કારણે હવે નવરાત્રિના આઠમના દિવસે સામાન્ય ભક્તોને મંદિરની બહાર રાહ જોવી પડશે નહીં. તેઓ પણ આઠમની વિશેષ પૂજામાં સહભાગી બની શકશે અને મા અંબાના સીધા દર્શન કરી શકશે. અગાઉ આ દિવસે મંદિરમાં માત્ર દાંતા મહારાજા અને તેમના વંશજોને જ વિશેષ પૂજાનો અધિકાર હતો, જેના કારણે લાખો યાત્રીઓને બહાર રાહ જોવી પડતી હતી.

આ કેસ વર્ષ 2009થી હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો. તે મંદિરની માલિકી અને વ્યવસ્થાપન અધિકારો સાથે સંબંધિત હતો. દાંતા રાજવી પરિવારે દાવો કર્યો હતો કે મંદિર તેમની ખાનગી મિલકત છે અને આઠમની પૂજાનો વારસાગત અધિકાર તેમને મળેલો છે. પરંતુ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે અંબાજી મંદિર લોકધર્મીય (પબ્લિક) સંસ્થા છે અને તેને જાહેર ટ્રસ્ટ તરીકે નોંધવું કાયદેસર છે. કોર્ટે ઐતિહાસિક દસ્તાવેજોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે 1953માં બોમ્બે રાજ્યે મંદિરની વ્યવસ્થા સંભાળી હતી અને સ્વતંત્રતા પછીના મર્જર કરારમાં રાજવી પરિવારને કોઈ વિશેષ અધિકાર સુરક્ષિત રાખવામાં આવ્યા નથી. રાજવીઓ માત્ર કસ્ટોડિયન (સંરક્ષક) હતા, માલિક નહીં.

કોર્ટે બંધારણના અનુચ્છેદ 25 અને 26નો ઉલ્લેખ કરીને કહ્યું કે રાજ્ય દ્વારા મંદિરનું વહીવટ કરવું ધાર્મિક અધિકારોનું ઉલ્લંઘન નથી, કારણ કે આ અધિકારો ધાર્મિક વિધિઓને સુરક્ષિત કરે છે, પરંતુ લૌકિક વ્યવહારોને નહીં. કોર્ટે સુપ્રીમ કોર્ટના પદ્મનાભસ્વામી મંદિર કેસ જેવા નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો.

મહીપેન્દ્રસિંહજી, તેમનાં પત્ની ચંદ્રાકુમારી, પુત્ર રિદ્ધિરાજસિંહજી અને પુત્રવધૂ દિવ્યજ્યોતિકુમારી (ફાઇલ તસવીર)

આ ચુકાદા પર દાંતાના વર્તમાન મહારાજા રિદ્ધીરાજસિંહે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “આ મારું એકલાનું પ્રશ્ન નથી. રાજપૂત-ક્ષત્રિય, ભીલ-આદિવાસી અને પટેલ સમાજનો સપોર્ટ છે. અમે સમાજ સાથે આગળ વધીશું.” રિદ્ધીરાજસિંહ 2023માં પિતા મહીપેન્દ્રસિંહજીના અવસાન પછી ગાદીએ બિરાજ્યા છે.

અંબાજી મંદિર ભારતના મુખ્ય શક્તિપીઠોમાંનું એક છે, જ્યાં મા સતીનું હૃદય પડ્યું હોવાની માન્યતા છે. અહીં મૂર્તિને બદલે વીસાયંત્ર (શ્રીયંત્ર)ની પૂજા થાય છે. પૂજારી આંખે પાટા બાંધીને પૂજા કરે છે અને આરતીમાં એક મિનિટનો વિશેષ વિરામ લેવાય છે. મંદિરનો કળશ શુદ્ધ સોનાનો છે અને સ્થાપત્ય અદ્ભુત છે. દર વર્ષે લાખો યાત્રીઓ અહીં આવે છે.

આ પણ વાંચો: નીતા અંબાણીના લાડલા પુત્ર અનંત અંબાણીએ સોમનાથ મંદિરમાં કેટલા કરોડનું દાન કર્યું ?

Back to top button