અમદાવાદગુજરાત

ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસની મોટી કાર્યવાહી: 22 કિલો પ્રતિબંધિત દવાઓ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા

અમદાવાદ 29 ડિસેમ્બર 2025: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને રાજસ્થાન પોલીસની સંયુક્ત ટીમે રાજસ્થાનના ભિવાડી વિસ્તારમાં મોટો દરોડો પાડીને ડ્રગ માફિયાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં આશરે ૨૨ કિલોગ્રામ પ્રતિબંધિત દવાઓ જપ્ત કરવામાં આવી છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા હોવાનું અંદાજવામાં આવે છે.

ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓના નામ અંશુલ શાસ્ત્રી, અખિલેશ મૌર્ય અને ક્રિષ્ના યાદવ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ આરોપીઓ લાંબા સમયથી પ્રતિબંધિત દવાઓનું વેચાણ કરતા હતા. આ દવાઓ મુખ્યત્વે માનસિક બીમારીઓની સારવાર માટે વપરાતી હોય છે, જેમ કે ડિપ્રેશન, એન્ગ્ઝાયટી અને અન્ય માનસિક વિકૃતિઓની સારવારમાં આપવામાં આવતી દવાઓ. જોકે, કેટલાક ડ્રગ માફિયા આ દવાઓને પ્રોસેસ કરીને નશીલા પદાર્થ તરીકે વેચે છે, જેનાથી યુવા વર્ગમાં નશાની લત વધી રહી છે.

ગુજરાત ATSને ગુપ્ત માહિતી મળી હતી કે રાજસ્થાનના ભિવાડી વિસ્તારમાં આવી પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે ATSની ટીમે રાજસ્થાન પોલીસ સાથે મળીને દરોડો પાડ્યો. દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી ૨૨ કિલો દવાઓ સિવાય અન્ય સાધનો અને દસ્તાવેજો પણ મળી આવ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સક્રિય છે. આ દવાઓને ડ્રગ તરીકે વેચવાથી યુવાનોમાં નશાની લત વધારે છે અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. આ કાર્યવાહીથી ડ્રગ માફિયાને મોટો ફટકો પડ્યો છે અને વધુ તપાસમાં આ નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવાના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો: રેલ્વે બેઝ કિચન બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે! મુસાફરોને હવે ક્લસ્ટર કિચનમાંથી ભોજન પીરસવામાં આવશે?

Back to top button