મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગો ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

– મુસાફરની શંકાસ્પદ ગતિવિધિના કારણે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ
– શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી
– ઈન્ડિગો ફ્લાઈટમાં ચેકિંગ કરવામાં આવ્યું
અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E058નું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઈટમાં હાજર એક મુસાફરે ક્રુ મેમ્બરને એવું કહ્યું હતું કે, મારી પાસે બોમ્બ છે અને થોડીવારમાં જ બ્લાસ્ટ થઈ જશે. ત્યાર બાદ ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. બોમ્બની સમાચારથી મુસાફરોમાં અફરા-તફરી મચી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ પર બપોરે 12 વાગ્યે ફ્લાઈટ લેન્ડ થઈ હતી. ફ્લાઈટમાં 180થી વધારે પેસેન્જર અને 6 ક્રૂ મેમ્બર હાજર હતા. આ સમગ્ર ઘટના બાદ અમદાવાદ એરપોર્ટ પર શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી અને ફ્લાઈટમાં સર્ચ કરવામાં આવ્યું હતું.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ, CISF, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી ગઈ હતી. હાલ મુસાફરો અને તેમના સામાનનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ધમકી માત્ર અફવા છે કે ગંભીર કાવતરું તે અંગે તપાસ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ઝોન 4 DCP અતુલ બંસલે જણાવ્યું હતું કે, પોલીસને જાણ થતાં પોલીસની ટીમ એરપોર્ટ પહોંચી છે. અત્યારે તમામ મુસાફરોનું બોર્ડિંગ કરાવીને એરપોર્ટમાં લાવવામાં આવ્યા છે. શંકાસ્પદ વ્યક્તિની પણ અટક કરવામાં આવી છે. હાલ ફ્લાઇટનું ચેકિંગ કરીને આગળની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.












