પતિની ઊંઘ ઉડી અને બાજુમાંથી ગાયબ હતી પત્ની, અચાનક જેઠના ફોનમાં આવ્યો ચોંકાવનારો મેસેજ અને ખુલ્યું ચોંકાવનારૂ રહસ્ય

મધ્ય પ્રદેશ: 9 ઓક્ટોબર, 2025: MP Crime News: મહારાષ્ટ્રની રહેવાસી એક મહિલા મધ્ય પ્રદેશના ઇટારસી રેલવે સ્ટેશન પરથી રહસ્યમય રીતે લાપતા થઈ હતી, જેના વિશે ચોંકાવનારી માહિતી સામે આવી છે. લુધિયાણાથી પતિ અને સાસુ સાથે પરત ફરી રહેલી આ મહિલાને જ્યારે ઇટારસી સ્ટેશન પર ન જોઈ, ત્યારે પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. આ મહિલા હવે ગુજરાતમાંથી મળી આવી છે. પોલીસે ઘટસ્ફોટ કર્યો કે, તેણે 12 લાખ રૂપિયાની ખંડણી માટે પોતાના અપહરણની ખોટી કહાણી રચી હતી.
ઇટારસી સ્ટેશન પરથી ગાયબ થવાની ઘટના
9 સપ્ટેમ્બરે ગૌરવ મહાજન, તેમની પત્ની રવીના અને માતા સચખંડ એક્સપ્રેસમાં લુધિયાણાથી ભુસાવલ પરત ફરી રહ્યા હતા. ઇટારસી સ્ટેશન પર જ્યારે ગૌરવની ઊંઘ ખુલી, ત્યારે રવીના ગાયબ હતી. ઘણી શોધખોળ બાદ પણ રવીના ન મળતાં ગૌરવે જીઆરપી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
ખંડણીનો મેસેજ અને પોલીસની તપાસ
રેલ એસપી રાહુલ કુમાર લોઢાના નેતૃત્વમાં પોલીસે ટીમ બનાવી અને ભોપાલ, ઉજ્જૈન અને ઇટારસી સ્ટેશનો પર લાગેલા 75 સીસીટીવી કેમેરા તપાસ્યા. તેનાથી જાણકારી મળી કે રવીના ઇટારસી સ્ટેશન પર ઊતરી ગઈ હતી અને ભોપાલ-ઉજ્જૈન થઈને ગુજરાત પહોંચી હતી.
ખંડણીની તસવીર
12 સપ્ટેમ્બરે રવીનાના જેઠ સૌરભ મહાજનના મોબાઈલ પર રવીનાના જ ફોનમાંથી એક મેસેજ આવ્યો, જેમાં રવીનાની બંધક જેવી તસવીર હતી અને 12 લાખની રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી હતી.
ગુજરાતમાંથી મળી આવી મહિલા
આ મેસેજના આધારે પોલીસને રવીનાનું લોકેશન જાણવા મળ્યું. 13 સપ્ટેમ્બરે પોલીસની ટીમ રવીનાને ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના અમરપુર ગામ સ્થિત એક પોલ્ટ્રી ફાર્મમાંથી શોધી કાઢી.
પૂછપરછમાં રવીનાએ કબૂલ્યું કે, તેણે સાસરિયા પક્ષને હેરાન કરવા અને તેમની પાસેથી પૈસા પડાવવા માટે આ આખું ષડયંત્ર રચ્યું હતું.
રેલ્વે પોલીસે જણાવ્યું કે રવીનાનો બે વર્ષનો એક પુત્ર પણ છે. પોલીસે રવીના વિરુદ્ધ ખંડણીનો કેસ નોંધીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. હવે કોર્ટ નક્કી કરશે કે તેને શું સજા મળશે.
આ પણ વાંચો : ગુજરાત: બિટકોઇન ખંડણી કેસ, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા મામલે જાણો અપડેટ
આ પણ વાંચો :લગ્નના ચાર મહિના પછી જ પત્નીની હત્યા, લાશ પલંગ નીચે છુપાવી – દહેજ ઉત્પીડનની શંકા












