સૌંદર્ય પ્રસાધનની આડમાં દુબઈથી થતી હતી સોનાની દાણચોરી, સુરતની યુવતી સામે જાહેર કરાશે લુકઆઉટ નોટિસ

સુરત, તા. 18 સપ્ટેમ્બર, 2025: સુરત એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ દુબઈથી સોનાની દાણચોરી કરતા એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી અને મુખ્ય સૂત્રધાર તરીકે 28 વર્ષીય યુવતી નિરાલી ઉર્ફે નીલ રાજપૂતનું નામ સામે આવ્યું છે, જે હાલ દુબઈમાં રહીને સમગ્ર રેકેટનું સંચાલન કરી રહી છે.
પોલીસે આ મામલે રત્નકલાકાર ભાવિક પ્રવીણ કાતરિયા (ઉંમર 22) અને સોનું મગાવનાર જ્વેલર અમિત જગદીશચંદ્ર સોની (ઉંમર 47) ની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તા. 19 સપ્ટેમ્બર, 2025ના સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતી.
આ રેકેટની મુખ્ય સૂત્રધાર નિરાલી રાજપૂત મૂળ સુરતની વતની છે અને તે બ્યુટી પ્રોડક્ટ્સનો વ્યવસાય ચલાવતી હતી. આ વ્યવસાયની આડમાં તે સોનાની દાણચોરી કરતી હતી. તે કન્સાઈનમેન્ટ મોકલવાના હોય ત્યારે પોતે દુબઈ જાય છે અને ત્યાંથી બ્યુટી પાર્લરના સામાન અને કપડાંની આડમાં ટ્રાવેલ બેગના ખાસ લેયરમાં કેમિકલ મિશ્રિત ગોલ્ડ પાવડર છુપાવતી હતી. આ બેગ તે કેરિયર મારફતે ભારત મોકલતી હતી, જેથી એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન કોઈને શંકા ન જાય. નિરાલી હાલ દુબઈમાં છે અને પોલીસે તેની વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
અમિત સોનીનો ગુનાહિત ઇતિહાસ: આ રેકેટમાં સોનું મગાવનાર અમિત સોનીનો ગુનાહિત ઇતિહાસ પણ છે. તે અગાઉ પણ ગુનાઓમાં સંડોવાયેલો છે:
- 2023: મુંબઈ DRI દ્વારા 800 ગ્રામ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં તેની ધરપકડ થઈ હતી.
- 2024: પુણે, મહારાષ્ટ્રના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં સાયબર ફ્રોડના 4 કેસમાં પણ તે સામેલ છે.
આ ઘટનાએ ફરી એકવાર દાણચોરીના નેટવર્કની ગંભીરતા અને તેમાં સામેલ ગુનેગારોની હિંમતને ઉજાગર કરી છે. પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચોઃ અમરેલીમાં ગ્રીષ્મા કાંડ થતા થતા રહી ગયો, યુવતી પર હુમલો કરનારા બે ઝડપાયા












