કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડરનો દાવો, ઇન્સ્ટાગ્રામથી લઈને X સુધી, પર્સનલ એકાઉન્ટ્સ પણ થયા હેક

Abhijeet Deepke account hacked: કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ આજે (શનિવારે) દાવો કર્યો કે તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને પાર્ટીનું સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ હેક કરવામાં આવ્યું છે. આ દાવો એવા સમયે સામે આવ્યો છે જ્યારે તેમનું વ્યંગાત્મક ડિજિટલ અભિયાન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને તેને લાખો લોકોનું સમર્થન મળી રહ્યું છે. અભિજીત દિપકેએ આરોપ લગાવ્યો કે તેમના ઓનલાઈન પ્લેટફોર્મ્સ સામે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમની સાથે જોડાયેલા અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પ્રભાવિત થયા છે.
અભિજીત દિપકેએ સોશિયલ મીડિયા પર લખ્યું, “કોકરોચ જનતા પાર્ટી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઇન્સ્ટાગ્રામ પેજ હેક થઈ ગયું છે. મારું વ્યક્તિગત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક થઈ ગયું છે. X (ટ્વિટર) એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે અને બેકઅપ એકાઉન્ટ પણ ડિલીટ કરી દેવામાં આવ્યું છે. હાલમાં અમારી પાસે અમારા કોઈપણ પ્લેટફોર્મ પર કોઈ એક્સેસ નથી. આ પછી કરવામાં આવતી કોઈપણ પોસ્ટને કોકરોચ જનતા પાર્ટીનું સત્તાવાર નિવેદન માનવું નહીં.”
Crackdown on Cockroach Janta Party.
– Instagram page hacked.
– My personal Instagram hacked.
– Twitter account withheld
– Back up account also taken down.— Abhijeet Dipke (@abhijeet_dipke) May 23, 2026
થોડા જ દિવસોમાં લાખો લોકો સુધી પહોંચી ગઈ આ ઝુંબેશ
અભિજીત દિપકે બોસ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી છે અને AAPના પૂર્વ સહયોગી પણ રહી ચૂક્યા છે. તેમણે લગભગ એક અઠવાડિયા પહેલાં આ વ્યંગાત્મક ડિજિટલ અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ આ પ્લેટફોર્મ સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિય બન્યું. અહેવાલો મુજબ પાર્ટીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અંદાજે 1.9 કરોડ ફોલોઅર્સ થઈ ગયા હતા.
કેવી રીતે શરૂ થયો કોકરોચ જનતા પાર્ટી ટ્રેન્ડ?
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની કથિત ટિપ્પણીને લગતા વિવાદ પછી કોકરોચ જનતા પાર્ટી ટ્રેન્ડ શરૂ થયો. જણાવવામાં આવ્યું હતું કે વરિષ્ઠ વકીલનો દરજ્જો આપવાની અરજી પર સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કથિત રીતે પરજીવી અને કોકરોચ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
અભિજીત દિપકેના જણાવ્યા અનુસાર આ સમગ્ર વિચારને પ્રેરણા આ જ વિવાદમાંથી મળી હતી. જોકે બાદમાં સૂર્યકાંતે સ્પષ્ટતા કરી હતી કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું અને તેમની ટિપ્પણી માત્ર નકલી તથા ખોટી ડિગ્રી લઈને કાનૂની વ્યવસાયમાં પ્રવેશતા લોકો માટે હતી.
પાર્ટી ઝડપથી વાયરલ થઈ
તે છતાં કોકરોચ જનતા પાર્ટી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ. કોકરોચને ચૂંટણી ચિહ્ન બનાવી મીમ્સ, વ્યંગ્ય, ગ્રાફિક્સ અને રાજકીય ટિપ્પણીઓ દ્વારા આ અભિયાનને આગળ ધપાવવામાં આવ્યું હતું.
આ પ્લેટફોર્મે યુવાનોને લગતા મુદ્દાઓ, જેમ કે બેરોજગારી, પરીક્ષાના પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થાને વ્યંગાત્મક મેનિફેસ્ટો અને ચૂંટણી પ્રચારની શૈલીમાં રજૂ કર્યા. અભિજીત દિપકેએ આ આંદોલનને “આળસુ અને બેરોજગારોનો અવાજ” ગણાવ્યું.
જાનથી મારી નાખવાની ધમકીઓ મળી
આ પહેલાં પણ અભિજીત દિપકેએ દાવો કર્યો હતો કે સોશિયલ મીડિયા પર અભિયાન વાયરલ થયા બાદ તેમને વોટ્સએપ પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. તેમણે કથિત ધમકીભર્યા મેસેજોના સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું હતું, “હવે મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.” દિપકેના જણાવ્યા અનુસાર મેસેજ મોકલનાર વ્યક્તિએ તેમને કોકરોચ જનતા પાર્ટીનું એકાઉન્ટ બંધ કરવા અને પછી ભાજપમાં જોડાવા માટે દબાણ કર્યું હતું.
આ પણ વાંચો: ભારતના શિક્ષણ ક્ષેત્રમાં AIનો પ્રવેશ, ગૂગલે શરૂ કર્યો નવો ટ્રેનિંગ પ્રોગ્રામ












