કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભવનાથના મેળામાં મહિલા PI સાથે તોછડાઈ કીર્તિ પટેલને ભારે પડી, નોંધાઈ FIR

જૂનાગઢ, 17 ફેબ્રુઆરી 2026: ગિરનારની તળેટીમાં આયોજિત મહાશિવરાત્રિના મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો ઊમટી પડે છે, જોકે આ વર્ષે શિવરાત્રિની મધ્યરાત્રિએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે મૃગીકુંડમાં ડૂબકી લગાવતાં મોટો વિવાદ ઊભો થયો છે. મહિલા પીઆઈ કે.જે.મોડે ભવનાથના મેળામાં માથાકૂટ કરવા બદલ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ કીર્તિ પટેલ અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વચ્ચે તીખી તકરાર થઈ હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. આ વીડિયોમાં કીર્તિ પટેલ ગેરવર્તણૂક કરતી જણાતાં મામલો વધુ બિચક્યો હતો. સમગ્ર ઘટનાની ગંભીરતા જોતાં જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ આ મામલે તટસ્થ તપાસના આદેશ આપ્યા છે. કીર્તિ સામે પોલીસ કાર્યવાહીની તલવાર લટકી રહી છે, ત્યારે તેણે સોશિયલ મીડિયા પર વળતો પ્રહાર કર્યો છે.

કીર્તિ પટેલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેણે લખ્યું છે કે માત્ર મને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી? મારી સાથે બીજી અનેક યુવતીઓ નાઈટ ડ્રેસમાં સ્નાન કરતી હતી, શું તેઓ બાપુની સગી વહાલી હતી?.

મૃગીકુંડમાં સ્નાન બાદ કીર્તિ પટેલે જે પ્રકારે સાધુ-સંતો અને ખાસ કરીને રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને ગિરનાર મંડળના અધ્યક્ષ મહંત ઇન્દ્રભારતી બાપુ સામે આક્ષેપો કર્યાં છે, તેણે જૂનાગઢના ધાર્મિક વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે.

કીર્તિ પટેલે જાહેરાત કરી છે કે તે આજે રાત્રે 9 વાગ્યે સોશિયલ મીડિયા લાઇવમાં આવીને તમામ પુરાવાઓ સાથે પોતાની વાત અને મોટા ખુલાસા રજૂ કરશે. ઇન્દ્રભારતી બાપુના ચેલાઓ અને અન્ય લોકો સામે તે કયા પ્રકારના ‘પ્રૂફ’ આપે છે એના પર હવે સૌની મીટ મંડાયેલી છે. હાલ તો ભવનાથમાં આ કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને પોલીસ તપાસમાં શું બહાર આવે છે એે જોવું રહ્યું.

 

Back to top button