ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આજથી શ્રાવણ માસનો શુભારંભ: સોમનાથમાં ‘હર હર મહાદેવ’ના જયઘોષ, ભવનાથમાં ધામધૂમ

ગીર સોમનાથ: આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થતાં જ પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તોનો અપ્રતિમ ઉત્સાહ જોવા મળ્યો છે. વહેલી સવારે 6 વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારે મેઘરાજાએ પણ અમીવર્ષા કરતાં ઝરમર વરસતા વરસાદમાં શિવભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મંદિરની Z+ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ દરમિયાન આવતા લાખો દર્શનાર્થીઓને ઉત્તમ આતિથ્ય પૂરું પાડવા માટે વ્યાપક પૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. વરસાદ સામે રક્ષણ મળી રહે તે માટે સમગ્ર માર્ગ પર વિશેષ પેગોડા ટેન્ટ લગાવવામાં આવ્યા છે, જેને યાત્રિકોએ ભારે બિરદાવ્યા છે. આ ઉપરાંત ભીડ નિયંત્રણ માટે ખાસ કેબિનો, પૂજા વિધિ કાઉન્ટરો અને જુતા ઘર સહિતની તમામ સુવિધાઓ સુચારૂ રૂપે કાર્યરત કરવામાં આવી છે, જેથી માનવમેદની સરળતાથી દર્શન કરી શકે.

બીજી તરફ ગિરનારની તળેટીમાં આવેલા જૂનાગઢના પ્રસિદ્ધ ભવનાથ મંદિર ખાતે પણ શ્રાવણ માસની ભારે ધામધૂમથી શરૂઆત થઈ છે. પવિત્ર માસ નિમિત્તે ભવનાથ મહાદેવ મંદિરને મનોહર રોશની અને પુષ્પોથી શણગારવામાં આવ્યું છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મહાદેવને શિશ નમાવવા ઉમટી પડ્યા હતા. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમો, મહાઆરતી અને ષોડશોપચાર પૂજા વિધિનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

શ્રાવણના આ પવિત્ર પ્રારંભ સાથે શિવભક્તોમાં ભક્તિ અને આનંદનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો: અમદાવાદ: ગીતા મંદિર બસ ટર્મિનલ 2 જનતા માટે ખુલ્લું મુકાયું, સૌરાષ્ટ્ર-કચ્છ જતાં લોકોને અહીંથી મળશે બસ

Back to top button