કેન્યા માર્ગ અકસ્માત/ બસ ખીણમાં ખાબકતા 5 ભારતીયોના મૃત્યુ, 27 લોકો ઘાયલ થયા

કેન્યા, 11 જૂન 2025: કેન્યામાં બસ અકસ્માતમાં ઓછામાં ઓછા 5 ભારતીય નાગરિકોના અવસાન થયા છે. આ લોકો કતારમાં રહેતા હતા અને રજાઓ ગાળવા માટે કેન્યા ગયા હતા. આ અકસ્માતની માહિતી દોહા સ્થિત ભારતીય દૂતાવાસે આપી છે. દૂતાવાસે ‘X’ પર પોસ્ટ કર્યું હતું કે, “કતારથી 28 ભારતીયોનું એક જૂથ કેન્યાની યાત્રા પર હતું, જ્યાં તેઓ જે બસમાં મુસાફરી કરી રહ્યા હતા તે દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતનો ભોગ બની.” નૈરોબીમાં ભારતીય ઉચ્ચ કમિશનના અધિકારીઓ ઘટનાસ્થળે છે અને શક્ય તેટલી બધી મદદ પૂરી પાડી રહ્યા છે.
ભારતીય ઉચ્ચ કમિશન શક્ય તેટલી બધી મદદ પૂરી પાડી રહ્યું છે
નૈરોબીમાં ભારતીય ઉચ્ચ કમિશને ‘X’ પર પોસ્ટ કર્યું હતું કે, “ન્યાનદારુઆ કાઉન્ટીમાં ઓલ જોરોરોક-નાકુરુ રોડ પર થયેલા દુ:ખદ માર્ગ અકસ્માતથી અમે ખૂબ જ દુઃખી છીએ, જેમાં 5 ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા.” હાઈ કમિશને કહ્યું, “શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. અમે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. હાઈ કમિશનની કોન્સ્યુલર ટીમ ઘટનાસ્થળે છે અને જરૂરી તમામ સહાય પૂરી પાડવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ.”
બસ ખાડામાં પડી ગઈ
ભારતીય પ્રવાસીઓ જે બસમાં મુસાફરી કરી રહ્યા હતા તે ઉત્તરપૂર્વીય ન્યાન્દારુઆ કાઉન્ટીમાં નિયંત્રણ બહાર ગઈ અને ખાડામાં પડી ગઈ. અખબારે સમુદાયના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આ અકસ્માતમાં દક્ષિણ ભારતના ઓછામાં ઓછા 5 પ્રવાસીઓના અવસાન થયા છે. મૃતકોની ઓળખ હજુ સુધી ચકાસવામાં આવી નથી, જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને કેન્યાની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : આધાર બાયોમેટ્રિક અપડેટ કરાવવા ઈચ્છો છો? UIDAI લગાવશે સ્પેશિયલ કેમ્પ












