‘એબોર્શન પિલ’ જોઈએ છે…?’ ટોયલેટમાં વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ, બાદમાં પીડિતાને કર્યો ચોંકાવનારો સવાલ

કર્ણાટકઃ 17 ઓક્ટોબર, 2025: બેંગલુરુની એક પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજના પરિસરમાં 21 વર્ષીય એક વિદ્યાર્થી દ્વારા તેની જ સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર કોલેજના શૌચાલયમાં બળાત્કાર ગુજારવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો ખુલાસો લગભગ પાંચ દિવસ પછી થયો છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, બેંગલુરુની એક ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં 21 વર્ષીય એક વિદ્યાર્થીએ પોતાની જ સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. તે વિદ્યાર્થિનીને જબરદસ્તી કોલેજના શૌચાલયમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે આ કૃત્ય આચર્યું. બાદમાં પીડિતાને પૂછ્યું કે, તેને ‘એબોર્શન પિલ’ (ગર્ભપાતની ગોળી) તો નથી જોઈતી ને. ત્યાર બાદ પીડિતાએ તેના મિત્રોનો સંપર્ક કર્યો અને તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ ઘટના 10 ઓક્ટોબરે બની હોવાનું કહેવાય છે. ત્યાર બાદ પીડિતાએ 15 ઓક્ટોબરે હનુમંતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બળજબરીપૂર્વક શૌચાલયમાં ખેંચી ગયો:
FIR મુજબ, આ મામલો ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 64 (બળાત્કાર માટેની સજા) હેઠળ નોંધવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, આરોપી જીવન ગૌડા છઠ્ઠા સેમેસ્ટરનો વિદ્યાર્થી છે અને પીડિતા સાતમા સેમેસ્ટરની વિદ્યાર્થિની છે, બંને સાથે અભ્યાસ હતા અને એકબીજાને ઓળખતા હતા.
ઘટનાના દિવસે પીડિતા સવારે આરોપીને પોતાનો સામાન લેવા માટે મળી હતી. બપોરે ભોજન દરમિયાન ગૌડાએ તેને વારંવાર ફોન કરીને આર્કિટેક્ચર બ્લોકના સાતમા માળે બોલાવી. જ્યારે તે ત્યાં પહોંચી, ત્યારે આરોપીએ તેની સાથે જબરદસ્તી ચુંબન કરવાનો પ્રયાસ કર્યો. પીડિતા લિફ્ટમાંથી નીચે જવાનો પ્રયાસ કરતી હતી, ત્યારે આરોપી તેનો છઠ્ઠા માળ સુધી પીછો કરતો ગયો, જ્યાં તેણે તેને બળજબરીથી પુરુષોના શૌચાલયમાં ખેંચી જઈ બળાત્કાર ગુજાર્યો.
એફઆઈઆરમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે આરોપીએ શૌચાલયનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને ઘટના દરમિયાન પીડિતાનો મોબાઇલ વાગ્યો ત્યારે તેણે ફોન પણ છીનવી લીધો હતો. આ સમગ્ર ઘટના બપોરે 1:30 થી 1:50 વાગ્યાની વચ્ચે બની હોવાનું કહેવાય છે.
‘પિલની જરૂર છે?’ પૂછતાં પોલીસ ફરિયાદ:
ઘટના બાદ પીડિતાએ તેના બે મિત્રોને આ વિશે જણાવ્યું. એફઆઈઆર મુજબ, દુષ્કર્મ બાદ આરોપીએ પીડિતાને ફોન કરીને પૂછ્યું કે શું તેને પિલ (ગર્ભપાતની ગોળી)ની જરૂર છે, જેનાથી તેનો બદઇરાદો વધુ સ્પષ્ટ થઈ ગયો. પોલીસે જણાવ્યું કે પીડિતા માનસિક રીતે ખૂબ ડરી ગઈ હતી, તેથી તે તરત ફરિયાદ નોંધાવી શકી નહોતી. બાદમાં તેણે પોતાના માતા-પિતાને ઘટનાની જાણ કરી અને તેમની સાથે મળીને ફરિયાદ નોંધાવી.
તપાસમાં મુશ્કેલીઓ પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના બની તે માળ પર કોઈ સીસીટીવી કેમેરા લાગેલા નહોતા, જેના કારણે તપાસમાં મુશ્કેલી પડી રહી છે. જોકે, ફોરેન્સિક અને ડિજિટલ પુરાવાની તપાસ ચાલી રહી છે.
આ ઘટના બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજકીય ઘમસાણ મચી ગયું છે. કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર. અશોક (ભાજપ) એ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
ભાજપે રાજ્ય સરકારને ઘેરી
ભાજપ નેતા અશોકે કહ્યું કે, “કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. ફક્ત ચાર મહિનામાં 979 જાતીય સતામણીના કેસ સામે આવ્યા છે. માત્ર બેંગલુરુમાં જ 114થી વધુ કેસ નોંધાયા છે. મહિલાઓ અને બાળકો ભયના માહોલમાં જીવી રહ્યા છે. જ્યાં સુધી આપણી બહેનો અને દીકરીઓ સુરક્ષિત નહીં હોય, ત્યાં સુધી ભાજપ ચૂપ નહીં બેસે. સરકારે જવાબ આપવો પડશે અને તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે.”
આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાના ‘એપોલો ટાયર્સ’ જર્સીનો લુક જાહેર; પર્થમાં કરાવ્યું ફોટોશૂટ
આ પણ વાંચોઃ નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટર (Q2)ના પરિણામો જાહેર, રિલાયન્સને થયો આટલો નફો












