Karachi Terror Attack: પાકિસ્તાનના કરાચી શહેરમાં એક મોટો આત્મઘાતી આતંકી હુમલો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. કરાચીના ગુલિસ્તાન-એ-જોહર વિસ્તારના બ્લોક 6 માં આવેલા પાકિસ્તાન સિંધ રેન્જર્સના મુખ્ય મથક (હેડક્વાર્ટર) નજીક આ ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો. પ્રારંભિક અહેવાલો અનુસાર, આ આત્મઘાતી વિસ્ફોટ અને ત્યારબાદ થયેલા અંધાધૂંધ ગોળીબારમાં 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે ભોગ બનનાર મૃતકો સામાન્ય નાગરિકો છે કે અર્ધલશ્કરી દળના જવાનો.
આત્મઘાતી વિસ્ફોટ બાદ અડધો કલાક ચાલ્યો ગોળીબાર
મળેલી માહિતી મુજબ, 1 આત્મઘાતી હુમલાખોરે રેન્જર્સ કમ્પાઉન્ડને નિશાન બનાવીને પોતાની પાસે રહેલા શક્તિશાળી વિસ્ફોટકોમાં બ્લાસ્ટ કર્યો હતો. આ વિસ્ફોટની સાથે જ તેના સાથી આતંકીઓએ સુરક્ષા દળો પર ચારેય તરફથી ભારે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પ્રત્યક્ષદર્શીઓના મતે, પહેલો વિસ્ફોટ અત્યંત પ્રચંડ હતો અને ત્યારબાદ અન્ય 2 નાના વિસ્ફોટો પણ સંભળાયા હતા. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ સામસામે ગોળીબાર આશરે 30 મિનિટ સુધી સતત ચાલુ રહ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
હાઈ-સિક્યોરિટી ઝોનમાં હુમલો
આ હુમલો ગુલિસ્તાન-એ-જોહર વિસ્તારના એક મુખ્ય માર્ગ પર થયો હતો, જે કરાચી યુનિવર્સિટી અને શહેરની અન્ય મહત્વની શૈક્ષણિક સંસ્થાઓને જોડે છે. આતંકવાદી ઘટનાને પગલે કરાચીના આ હાઈ-સિક્યોરિટી ઝોનમાં તાબડતોબ વધારાના સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. સેના અને રેન્જર્સ દ્વારા સમગ્ર વિસ્તારની કિલ્લાબંધી કરીને આતંકીઓને પકડવા માટે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન રેન્જર્સ એ ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતું અર્ધલશ્કરી દળ છે, જે સિંધ અને પંજાબ સેક્ટરમાં આંતરિક સુરક્ષા અને આતંકવાદ વિરોધી કામગીરી સંભાળે છે. હાલમાં કોઈ પણ આતંકી સંગઠને આ હુમલાની સત્તાવાર જવાબદારી સ્વીકારી નથી.
આ પણ વાંચો: યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમીનો હાહાકાર: નેધરલેન્ડ્સે ઇતિહાસમાં પહેલીવાર જાહેર કર્યું રેડ એલર્ટ











