સોમનાથથી દ્વારકા જતી ભાવનગરના શ્રદ્ધાળુઓની બસ પલટી; બેના મોત, અનેક ઘાયલ

Junagadh bus accident: ગુજરાતના હાઈવે પર અકસ્માતોનો સિલસિલો ચાલુ જ છે. આ વખતે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક સોમનાથ મહાદેવના દર્શન કરીને દ્વારકા જઈ રહેલી ભાવનગરના શ્રદ્ધાળુઓની એક ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી મારી ગઈ છે. અકસ્માતમાં બે યાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અનેક યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
મળતી વિગતો મુજબ, ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરીને દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા હતા. બસ પૂરઝડપે હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક રસ્તાની વચ્ચે એક રોઝડું (નીલગાય) આવી ગયું. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ અને હાઈવે પર ઊંધી પડી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે બસમાંથી ચીસો ગુંજી ઊઠી હતી.
અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. તેમણે મહેનત કરીને બસમાં ફસાયેલા યાત્રીઓને બહાર કાઢ્યા. 108 એમ્બ્યુલન્સની મદદથી ઘાયલ શ્રદ્ધાળુઓને કેશોદ અને જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાં પ્રવિણાબેન ગઢવી (55), પરીતાબેન મકવાણા (18), જીજુબેન દેવકુભાઈ (60), સોનલબેન (33), ઉષાબેન ગઢવી (40), રાજેશભાઈ રાવત (55) સહિત અનેકના નામ સામેલ છે. આ ઉપરાંત એક મહિલાનો હાથ કપાઈ ગયો હોવાની પણ માહિતી છે.
આ અકસ્માતને પગલે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. માંગરોળ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ક્રેનની મદદથી બસને હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને મૃતકોના પોસ્ટમોર્ટમ અને આગળની કાયદેસર તપાસ શરૂ કરી છે.
સોમનાથ-દ્વારકાની ધાર્મિક યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુઓ માટે આ સફર અંતિમ સાબિત થતાં ભાવનગર અને માંગરોળ વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ગુજરાતમાં વધતા જતા અકસ્માતોને લઈને ફરી એક વાર સલામતીના મુદ્દા સામે સવાલો ઊઠી રહ્યા છે.
આ પણ વાંચો: મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આખા ગામને જમણવારનું આમંત્રણ, પણ દલિતો માટે અપમાનજનક શરતો












