આનંદો! જૂનાગઢના મુસાફરોને મોટી રાહત, પશ્ચિમ રેલવેનો મહત્ત્વનો નિર્ણય

Junagadh Delvada Train Restart: મુસાફરોની લાંબા સમયથી ચાલી આવતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જૂનાગઢ દેલવાડા મીટરગેજ પેસેન્જર ટ્રેનનું સંચાલન ફરી શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે જૂનાગઢ ચાલાલા રૂટ પર દોડતી ટ્રેનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ટ્રેન નંબર 52952 જૂનાગઢથી દેલવાડા જતી દૈનિક મીટરગેજ પેસેન્જર ટ્રેન આજ (25 માર્ચ 2026)થી શરૂ થઈ છે. આ ટ્રેન સવારે 8:00 વાગ્યે જૂનાગઢથી પ્રસ્થાન કરીને બપોરે 2:40 વાગ્યે દેલવાડા પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 52951 દેલવાડાથી જૂનાગઢ આવતી ટ્રેન 26 માર્ચથી શરૂ થશે, જે સવારે 11:00 વાગ્યે દેલવાડાથી નીકળી સાંજે 5:25 વાગ્યે જૂનાગઢ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં ઊના, ગીરગઢડા, હડમડિયા, જામવાલા, વલાદર, પ્રાચી, ગીર હડમતિયા, જામ્બુર, તાલાળા, ચિત્રાવડ, સાસણ ગીર, કાંસિયાનેશ, સતાધાર, વિસાવદર, જૂની ચાવંડ, બિલખા અને તોરણિયા જેવા મહત્વપૂર્ણ સ્ટેશનો પર રોકાણ કરશે, જેનાથી સ્થાનિક મુસાફરોને મોટી રાહત મળશે.
આ સાથે જ, ટ્રેન નંબર 09595/09596 જૂનાગઢ–ચાલાલા મીટરગેજ પેસેન્જર સ્પેશિયલના સમયમાં પણ 25 માર્ચથી ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09595 હવે સવારે 11:30 વાગ્યે જૂનાગઢથી નીકળશે અને બપોરે 2:50 વાગ્યે ચાલાલા પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09596 હવે બપોરે 3:20 વાગ્યે ચાલાલાથી પ્રસ્થાન કરીને સાંજે 6:45 વાગ્યે જૂનાગઢ પહોંચશે.
બીજી તરફ, ટ્રેન નંબર 52933/52956 જૂનાગઢ–વેરાવળ–જૂનાગઢ દૈનિક પેસેન્જર ટ્રેનને 25 માર્ચ 2026થી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ નવી સમયસૂચિ અનુસાર પોતાની મુસાફરીનું આયોજન કરે અને રેલવે તંત્રને સહકાર આપે.












