જોસ બટલરે હાંસલ કરી મોટી સિદ્ધિ: ક્રિસ ગેલને પછાડી T20 ક્રિકેટમાં આવું કરનાર બીજો બેટ્સમેન બન્યો

Jos Buttler Surpasses Chris Gayle: ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જોસ બટલરે T20 ક્રિકેટમાં એક અદ્ભુત અને ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. ધ હન્ડ્રેડ 2026 માં માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ અને લંડન સ્પિરિટ વચ્ચે લંડનના લોર્ડ્સ મેદાન પર રમાયેલી મેચ દરમિયાન બટલરે આ મહત્ત્વનો માઇલસ્ટોન હાસલ કર્યો હતો. મેચમાં તેણે 11 બોલમાં માત્ર 16 રન બનાવ્યા હતા, પરંતુ આ નાની ઇનિંગ તેને રમત જગતના ઇતિહાસમાં ખાસ સ્થાન અપાવવા માટે પૂરતી સાબિત થઈ હતી.
ક્રિસ ગેલને પછાડ્યો, હવે કિપોલાર્ડના રેકોર્ડ પર નજર
આ ટૂંકી ઇનિંગ સાથે જોસ બટલર વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલને પાછળ છોડીને T20 ક્રિકેટમાં વિશ્વમાં બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. બટલરના નામે હવે 487 T20 ઇનિંગ્સમાં 146.74 ના સ્ટ્રાઇક રેટથી કુલ 14,572 રન નોંધાયેલા છે, જેમાં 9 સદી અને 102 ફિફ્ટી સામેલ છે. બીજી તરફ, ક્રિસ ગેલ 455 ઇનિંગ્સમાં 14,562 રન સાથે હવે ત્રીજા સ્થાને સરકી ગયો છે. T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના કિરોન પોલાર્ડ (14,803 રન) ના નામે છે. બટલર હવે પોલાર્ડનો રેકોર્ડ તોડવાથી માત્ર 231 રન દૂર છે.
T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ટોચના બેટ્સમેન
કિરોન પોલાર્ડ (વેસ્ટ ઈન્ડિઝ) – 14,803 રન
જોસ બટલર (ઈંગ્લેન્ડ) – 14,572 રન
ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) – 14,562 રન
એલેક્સ હેલ્સ (ઈંગ્લેન્ડ) – 14,449 રન
ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) – 14,284 રન
વિરાટ કોહલી (ભારત) – 14,218 રન
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ખરાબ ફોર્મ બાદ IPL 2026 થી અદ્ભુત વાપસી
તાજેતરના T20 વર્લ્ડ કપમાં બટલરનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું, જ્યાં તેણે 8 ઇનિંગ્સમાં 10.67 ની સરેરાશથી માત્ર 87 રન બનાવ્યા હતા. જોકે, IPL 2026 માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતાં તેણે 152.46 ના સ્ટ્રાઇક રેટથી 526 રન બનાવીને શાનદાર વાપસી કરી હતી. ત્યારબાદ તેણે ભારત સામેની T20I મેચમાં 64 બોલમાં અણનમ 131 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.
આંતરરાષ્ટ્રીય T20 માં પણ દબદબો
35 વર્ષીય જોસ બટલરે ઇંગ્લેન્ડ માટે 160 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 4,212 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 28 ફિફ્ટીનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય T20 માં સૌથી વધુ રન બનાવનારાઓમાં તે બાબર આઝમ (4,596 રન) અને રોહિત શર્મા (4,231 રન) પછી વિશ્વમાં ત્રીજા ક્રમે છે. તે આંતરરાષ્ટ્રીય T20 માં 3,000 અને 4,000 રનનો આંકડો પાર કરનારો ઇંગ્લેન્ડનો એકમાત્ર બેટ્સમેન છે.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના યુવા સ્ટારે રચ્યો ઈતિહાસ, વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ












